સમુદ્રની લહેરોમાં ડુબાડીને પત્નીનું પતિએ મોત નીપજાવ્યું, પણ આ એક ભૂલ અને પોલીસે કર્યો જેલભેગો
દક્ષિણ ગોવા (South Goa)ની વૈભવી હોટલની રેસ્ટોરાંમાં મેનેજર (Hotel Manager) તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની જ 27 વર્ષની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. તેણે પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવવા કાવતરું રચ્યું હતું, જેમાં પત્નીને દરિયાકિનારે ફરવા લઇ જવાને બહાને લહેરો તરફ તેને ધક્કો મારી દીધો હતો જેથી તે પાણીમાં ડૂબવા લાગે.
પત્નીનું ડૂબી જવાને કારણે મોત થઇ ગયાની ખાતરી કર્યા બાદ તેણે બૂમાબૂમ કરીને હોબાળો મચાવ્યો, આસપાસના લોકોને ભેગા કર્યા, પોલીસ સામે પણ રોકકળ કરી, પરંતુ કહેવાય છે ને કે ઇશ્વરની નજરોથી કોઇ બચી શકતું નથી, સંજોગો જ જાણે એવા ઉભા થયા અને ફોરેન્સિક તપાસમાં પતિની એવી ભૂલો સામે આવી કે તરત જ તે પોલીસના સકંજામાં આવી ગયો અને અંતે જેલના સળિયા ગણવાનો તેને વારો આવ્યો.
ફક્ત 1 વર્ષના લગ્નજીવનનો આવો કરૂણ અંજામ આવે એ ઘણી દુ:ખદ બાબત છે. શુક્રવારે બપોરે આ ઘટના બની હતી. આરોપી ગૌરવ કટિયાર અને તેની પત્ની દીક્ષા ગંગવાર બંને મૂળ લખનૌના છે. 29 વર્ષનો ગૌરવ કટિયાર દક્ષિણ ગોવાની એક ફાઇવ સ્ટાર લક્ઝરી હોટલમાં આવેલી રેસ્ટોરાંનો મેનેજર છે. હત્યાને અંજામ આપ્યા બાદ તેણે પોલીસને એવું કારણ આપ્યું હતું કે દરિયાના પાણીમાં તણાઇ જવાને કારણે તેનું મોત થયું. જો કે એક સ્થાનિકે ગૌરવને દરિયાના પાણીમાં જઇને ત્યાંથી બહાર આવતો જોયો હતો, તેમજ તેણે વીડિયો પણ ઉતાર્યો હતો.
સ્થાનિકે ઉતારેલા વીડિયો ઉપરાંત જ્યારે ફોરેન્સિક તપાસ થઇ ત્યારે બહાર આવ્યું કે છીંછરા પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. જો કે દરિયાના છીછરા પાણીમાં વ્યક્તિ ત્યારે જ ડૂબી શકે જ્યારે તેની સાથે કોઇ બળજબરી થઇ હોય અથવા વ્યક્તિને પકડીને દરિયાના પાણીમાં ડૂબાડવામાં આવી હોય, આ સાથે જ ફોરેન્સિક ટીમે આરોપીની મેડિકલ તપાસ હાથ ધરતા ગૌરવના છાતીના ભાગ પર નખના નિશાન, ચામડી છોલાઇ હોય-ઉઝરડા પડ્યા હોય તેવા નિશાન મળી આવ્યા હતા, જેના પરથી એ સાબિત થતું હતું કે કદાચ દીક્ષાએ પોતાને ગૌરવની પકડમાંથી છોડાવવા તેને નખ માર્યા હશે.
પોલીસે ધરપકડ બાદ જે પ્રાથમિક પૂછપરછ કરી હતી તેમાં એવું બહાર આવ્યું છે કે ગૌરવે લગ્નબાહ્ય સંબંધને કારણે આવું પગલું ભર્યું હતું. તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હજુ મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ નવી વિગતો બહાર આવવાની શક્યતા છે. પોલીસે આરોપી સામે વધુ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી કરી રહી છે.