રશિયાના એક એરપોર્ટમાં યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા સેંકડો લોકો ધસી ગયા
મોસ્કો: રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાંના મુખ્ય એરપોર્ટ અને હવાઈપટ્ટી પર રવિવારે સેંકડો લોકો યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરતા ધસી ગયા હતા. ઈઝરાયલના તેલ અવીવથી આવેલા રશિયાની એરલાઈનના વિમાનને ટોળું ઘેરી વળ્યું હતું અને ઈઝરાયલી પ્રવાસીઓને શોધવાનું શરૂ કર્યું હતું. દાગેસ્તાન મુસ્લિમોની બહુમતી ધરાવે છે. એરપોર્ટ પર થયેલી હિંસામાં ૨૦થી વધુ લોકોને ઈજા થઈ હતી અને બે વ્યક્તિની હાલત ગંભીર છે તેવું દાગેસ્તાનના આરોગ્યમંત્રાલયે કહ્યું હતું. ઈજાગ્રસ્તોમાં પોલીસ અધિકારીઓ અને સામાન્ય લોકો હતા તેવું આરોગ્યમંત્રાલયે કહ્યું હતું. દાગેસ્તાનની રાજધાની મખાચકાલાના એરપોર્ટને સત્તાવાળાઓએ બંધ જાહેર કર્યું હતું અને પોલીસદળ એરપોર્ટ પર ધસી ગયું હતું. ટોળામાંના કેટલાક લોકો પેલેસ્ટાઈનનો ધ્વજ દર્શાવતા હતા જ્યારે કેટલાક પોલીસના એક વાહનને ઊંધુ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેવા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. ઈઝરાયલી નાગરિકોને શોધવાના પ્રયત્નમાં લોકો પ્રવાસીઓના પાસપોર્ટ તપાસી રહ્યા હતા. જયારે કેટલાંક લોકો યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
એરપોર્ટ પર ધસી જનારાઓની ઓળખ સીસીટીવી ફૂટેડ દ્વારા કરી તેમની સામે પગલાં ભરવામાં આવશે તેવું રશિયાના ગૃહમંત્રાલયે કહ્યું હતું.
દાગેસ્તાનની સરકારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું, “ગાઝાના નાગરિકો પરના હુમલાઓ અટકાવવા રશિયા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે. સમાજમાં ભય નહીં ફેલાવવા સ્થાનિક રહેવાસીઓને વિનંતી કરવામાં આવે છે.
દાગેસ્તાનના સર્વોચ્ચ મુફતી શેખ અખમદ અફાન્ડીએ એરપોર્ટ પરની ધાંધલ ધમાલ અંગે કહ્યું કે “આ રીતે આ મુદ્દો ઉકેલી નહીં શકાય તમારો રોષ અમે સમજીએ છે. અમે આ મુદ્દાનો ઉકેલ લાવીશું. રેલીઓ દ્વારા નહીં પણ યોગ્ય રીતે ધૈર્ય અને શાંતિ જાળવવા વિનંતી.
રશિયાની સિવિલ એવિયેશન એજન્સી રોસાવિયાટિસિયાએ કહ્યું કે એરપોર્ટ ખાલી કરવામાં આવ્યું છે અને વિમાનોના આગમન પર છ નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.