નેશનલ

માતા વૈષ્ણો દેવીના દર્શને ગયેલા સેંકડો ભક્તો કટરામાં ફસાયા,

કટરા (જમ્મુ): પંજાબના વિવિધ ભાગોમાં ખેડૂતોના “રેલ રોકો” આંદોલનને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેને કારણે શ્રદ્ધાળુઓ સહિત મોટી સંખ્યામાં જમ્મુ અને કટરા રેલ્વે સ્ટેશનો પર ફસાયેલા છે. મળતી માહિતી મુજબ સાત ટ્રેનો રદ કરવામાં આવી છે અને 13ને ડાયવર્ટ કરવામાં આવી છે.

અનેક ખેડૂત સંગઠનોના સભ્યોએ ગુરુવારથી આર્થિક પેકેજ, લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) અને તાજેતરના પૂરને કારણે થયેલા નુકસાન માટે લોન માફી જેવી માગણીઓ સાથે તેમનું ત્રણ દિવસનું આંદોલન શરૂ કર્યું છે. વિરોધના ભાગરૂપે, ખેડૂતો મોગા, હોશિયારપુર, ગુરદાસપુર, જલંધર, તરનતારન, સંગરુર, પટિયાલા, ફિરોઝપુર, ભટિંડા અને અમૃતસર સહિત ઘણી જગ્યાએ રેલ્વે ટ્રેક પર બેઠા છે. વરિષ્ઠ રેલ્વે અધિકારી પ્રતીક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “આંદોલનને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે, પરંતુ ટ્રેન ટ્રાફિક પર નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવા માટે 60 થી 70 ટકા ટ્રેનોને અલગ રૂટથી મોકલવામાં આવી રહી છે.”

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે આંદોલનને કારણે અત્યાર સુધીમાં 13 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે અને સાત ટ્રેનો રદ કરવામાં આવી છે. આંદોલનની સીધી અસર અંબાલા અને ફિરોઝપુર રેલ્વે ડિવિઝન પર પડી છે. અહીંથી ટ્રેનોને નાકોદર વિસ્તાર (પંજાબમાં) થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. જલંધર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. કટરા માટે બે વિશેષ ટ્રેનો રદ કરવામાં આવી છે. શિવશક્તિ ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે દરરોજ 15,000 થી 20,000 લોકો કટરા સ્ટેશને પહોંચે છે. તેમણે કહ્યું, “તેમાંથી 70 ટકા ભક્તો છે. આંદોલનને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે અને મુસાફરોને લઈ જવા માટે મોટાભાગની ટ્રેનોના રૂટ બદલવામાં આવી રહ્યા છે.

માતા વૈષ્ણો દેવીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા અનેક લોકો રેલવે સ્ટેશને ફસાયેલા છે. તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની ફરિયાદ સાંભળવાવાળું કોઇનથી. તેમના પૈસા ખલાસ થઇ ગયા છે. ટ્રેન રદ થવાથી મહિલાઓ અને નાના બાળકો સાથે પ્રવાસ કરી રહેલા લોકોને ભારે હાડમારી ભોગવવાનો વખત આવ્યો છે. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ટેક્સી ઑપરેટરો પણ દિલ્હી જવા માટે તોતીંગ ભાડા વસુલી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button