નેશનલ

ઈન્ડિગો ફ્લાઈટમાં ‘હ્યુમન બોમ્બ’ની ધમકી! કુવૈત-હૈદરાબાદ વિમાનને મુંબઈ ડાયવર્ટ કરાયું

મુંબઈ: કુવૈતથી તેલંગાણાના હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાના ધમકીભર્યા મેસેજને કારણે મંગળવારે વિમાનનું મુંબઈ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, આ ધમકીભર્યો મેસેજ દિલ્હી એરપોર્ટ પર એક ઈમેઈલ દ્વારા પ્રાપ્ત થયો હતો, જેમાં ફ્લાઈટમાં ‘હ્યુમન બોમ્બ’ હોવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, આ અંગે ઈન્ડિગો એરલાઈન્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ ધમકી મળતાની સાથે જ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી રિસ્પોન્ડર્સ સહિત સુરક્ષા ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. અહેવાલો અનુસાર, કોલસાઈન 6E1234 ધરાવતું આ એરબસ A321-251NX વિમાન કુવૈતથી વહેલી સવારે 1:56 વાગ્યે રવાના થયું હતું અને 8:10 વાગ્યે મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરના રોજ પણ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બહેરીનથી આવતી એક ફ્લાઈટ માટે બોમ્બની ધમકી મળી હતી, જેને પગલે તે વિમાનને પણ મુંબઈ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. તે સમયે સુરક્ષા તપાસ બાદ ધમકી ખોટી સાબિત થઈ હતી અને પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો. આ અગાઉની ઘટનાને ધ્યાનમાં રાખીને, વર્તમાન ધમકીને પણ અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે અને સમગ્ર વિમાનની સઘન તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો…પાઈલટ મોડો પડતા ઈન્ડિગોની ફ્લાઈટ 3 કલાક લેટ: મુસાફરોનો રોષ, સોશિયલ મીડિયા પર હોબાળો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button