હમ ભી કિસી સે કમ નહીંઃ ભારતે લદ્દાખમાં બનાવ્યો એવો રસ્તો કે…

નવી દિલ્હીઃ ચીન તેની હરકતો છોડતું નથી તે કોઇને કોઇ રીતે ભારતને હેરાન કરે જ જાય છે પરંતુ ભારત પણ હવે ચીનની તમામ હરકતોનો જવાબ આપવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. ગલવાન અથડામણ બાદ ભારત ચીન સરહદ નજીક રસ્તાઓ બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. ભારત લદ્દાખમાં નવો અદ્રશ્ય રોડ બનાવી રહ્યું છે. આ રોડને અદ્રશ્ય રોડ એટલા માટે કહેવામાં આવે છે કારણકે આ રોડનો તમામ વિસ્તાર પર્વતો અને ખીણોથી ઢંકાયેલો છે તેમજ તેની આજુ બાજુમાં વૃક્ષોનું પ્રમાણ પણ વાધારે હોવાના કારણે રોડ પર થતી ચહલ પહલ પણ કોઇ જોઇ શકશે નહિ ત્યારે આ રોડ જમીનની સપાટીથી 13000 ફૂટ ઉપર હોવાના કારણે પણ ત્યાં સુધી કોઇપણનું પહોંચવું લગભગ અશક્ય છે.
આ રોડ દેશના સૌથી ઉત્તરીય સૈન્ય મથક દૌલત બેગ ઓલ્ડીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક પોસ્ટ સાથે જોડશે. આ રસ્તાને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે આ રસ્તો LACથી દૂર હશે અને સરહદ પારથી કોઇ પણ વ્યક્તિ આ રોડ જોઇ શકશે નહિ. આ રોડ દ્વારા સૈનિકો, શસ્ત્રો અને અન્ય સામગ્રીની હેરફેર કરવામાં સરળતા રહેશે. રોડનું બાંધકામ નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ એક એવો રોડ છે કે જ્યાંથી ભારત કોઇ પણ પ્રકારની અવર જવર કરે કે પછી કોઇપણ વસ્તુની હેરફેર કરે તો તે ચીન કોઇ પણ પ્રકારે જોઇ શકશે નહી.
નુબ્રા ખીણના સાસોમાથી નીકળતો અને કારાકોરમ પાસ પાસે ડીબીઓ સુધીના 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણનું કાર્ય તેના અંતિમ તબક્કામાં છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ આ તબક્કામાં ગ્લેશિયર વિસ્તારમાં એક પટ તૈયાર કરવો અને શ્યોક નદી પર પુલ બનાવવો પડશે. ભારત અને ચીન વચ્ચે સૈન્ય તણાવ વધી રહ્યો હતો ત્યારે આ રોડનું નિર્માણ ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. મે 2020થી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અને હાલની સ્થિતિ પ્રમાણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં કંઇ સારું થા. તેવા સંકેત દેખાતા નથી. માર્ગ નિર્માણના અંતિમ તબક્કામાં બાંધકામની અડચણોને દૂર કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ રોડ એક વર્ષમાં તૈયાર થઈ જવાની આશા છે. નવો રસ્તો બીજી ધરી બનાવશે કારણ કે તે DS-DBO રોડ પર સાસેર બ્રાંગસાથી મુર્ગો સુધી જશે. આ 18 કિલોમીટરનો રોડ આવતા વર્ષના મધ્ય સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. રોડ નિર્માણ પડકારજનક છે કારણ કે તેમાં શ્યોક નદી પર 345 મીટર લાંબો પુલ બનાવવાનો છે. આ ઉપરાત આ વિસ્તારમાં એક ટનલ પણ બનાવાવમાં આવશે જે 2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જો કે કોઇ અધિકારી ટનલ વિશે વધારે માહિતી આપવા તૈયાર નથી થતા તેમનું કહેવું છે કે ચીન પોતાની સરહદ વધારે જાય છે અને ભારતને હેરાન કરે છે તે હવે નહિ કરી શકે.
છેલ્લા કેટલાક સમયથી ભારત સરહદ પર ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. આ ઉપરાંત લશ્કરી ખર્ચમાં પણ વધારો કરી રહ્યું છે. ચીન સાથેના સંબંધો બગડ્યા બાદ ભારત નવી ટેક્નોલોજી અને ટેકનિક પણ અપનાવી રહ્યું છે. જેથી ચીનની દરેક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય.