ભારતમાં વિપુલ તક રહેલી છે: વૉરેન બફેટ
વોશિંગ્ટન: અબજોપતિ રોકાણકાર વૉરેન બફેટે કહ્યું હતું કે ભારતીય બજારોમાં વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે જેને તેમની કંપનીના સમૂહની હોલ્ડિંગ કંપની બર્કશાયર હેથવે ભવિષ્યમાં રોકાણ કરવા માટે અન્વેષણ કરશે.
ભારતીય ઈક્વિટીમાં રોકાણ કરનારા અમેરિકા સ્થિત હેજ ફંડ દૂરદર્શી એડવાઈઝરના રાજીવ અગરવાલ દ્વારા જ્યારે બર્કશાયરની વાર્ષિક સામાન્ય સભામાં બફેટને વિશ્ર્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનેલા ભારતમાં તેમની કંપનીના રોકાણ અંગેની યોજના બાબતે પૂછવામાં આવ્યું ત્યારે બફેટે કહ્યું હતું કે આ બહુ સારો સવાલ છે. મને ખાતરી છે કે ભારત જેવા દેશોમાં વિપુલ તકો રહેલી છે. અહીં પ્રશ્ર્ન એ રહ્યો છે કે ભારતમાં રહેલા ઉદ્યોગોની કોઈ જાણકારી છે કે પછી તેમાં અમને કોઈ લાભ છે કે પછી એવા કોઈ સંપર્ક છે, જેનાથી બર્કશાયર તેમાં સહભાગી થઈ શકે તો બર્કશાયર તેના પર વિચાર કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
93 વર્ષના બફેટે કહ્યું હતું કે બર્કશાયરની આખી દુનિયામાં સારી પ્રતિષ્ઠા છે. જાપાનનો તેમનો અનુભવ ઘણો સારો રહ્યો હતો. ભારતમાં અનશોધિત રહેલી અથવા તો ધ્યાન ન આપવામાં આવેલી તકો રહેલી હશે, પરંતુ તે ભવિષ્ય માટે છે એમ તેમણે કહ્યું હતું.
એપલમાં પોતાના રોકાણ ઘટાડવા અંગે બફેટે એવો ખુલાસો કર્યો હતો કે લાંબા ગાળાના હેતુ માટે શૅરમાં ખરાબી નથી. તાજેતરની મંદી છતાં એપલ કદાચ તેમનું સૌથી મોટું રોકાણ રહેશે. (પીટીઆઈ)