વક્ફ બિલ કેવી રીતે થશે પાસ? જાણો આંકડાકીય ગેમ

નવી દિલ્હીઃ લોકસભામાં વક્ફ બિલ રજૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે. વક્ફ બિલ રજૂ થતી વખતે હંગામાની પણ શક્યતા છે. એનડીએના તમામ પક્ષો બિલ પર સહમત થયા છે. સાંસદોને વ્હિપ પણ જાહેર કરવામાં આવ્યો છે. લોકસભામાં બિલ પાસ થયા બાદ બીજા દિવસે રાજ્યસભાાં રજૂ કરવામાં આવશે. બિલમાં ચર્ચા માટે 8 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે જો ગૃહની સહમતિ હશે તો ચર્ચાનો સમય વધારવામાં પણ આવી શકે છે.
કોણે કોણે કર્યું વક્ફ બિલનું સમર્થન
લોકસભામાં 542 સભ્યોમાંથી NDA પાસે 293 સાંસદો છે અને ભાજપ ઘણી વખત કેટલાક અપક્ષ સભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીડીપી, જેડી(યુ) અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળના એલજેપી (રામવિલાસ) જેવા ભાજપના મુખ્ય સાથી પક્ષોએ શરૂઆતમાં બિલના કેટલાક પાસાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સંસદની સંયુક્ત સમિતિ દ્વારા તેમના કેટલાક સૂચનો સ્વીકારાયા પછી સમર્થન આપવાની જાહેરાત કરી છે.
જો આ રીતે જોવામાં આવે તો, વક્ફ બિલના સમર્થનમાં કુલ 293 સાંસદો છે જ્યારે બહુમતીનો આંકડો 272 છે. TDP સહિત ભાજપના સાથી પક્ષોએ બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે, તેથી એવું માનવામાં આવે છે કે સરકાર પાસે જરૂરી સંખ્યા છે.
કોણ કોણ કરી રહ્યું છે વક્ફ બિલનો વિરોધ
વિરોધ પક્ષો આ બિલનો જોરદાર વિરોધ કરી રહ્યા છે અને તેને ગેરબંધારણીય અને મુસ્લિમ સમુદાયના હિતોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. કેટલાક અગ્રણી મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્યસભાનું શું છે ગણિત
રાજ્યસભામાં કુલ 236 સાંસદ છે. જ્યારે બહુમતનો આંકડો 119 છે. વક્ફ બિલના સમર્થનમાં ભાજપના 98 સાંસદ, સહયોગી પક્ષના 19 સાંસદ, અપક્ષ અને અન્ય મળીને આંકડો 125 સુધી પહોંચે છે. જે બહુમતથી 6 વધારે છે. બિલનો વિરોધ કરનારામાં કોંગ્રેસના 27 સાંસદ, અન્ય પક્ષોના 60 સાંસદ અને અપક્ષ મળીને 88 સુધી પહોંચે છે. જ્યારે વાઈએસઆરના 7, બીજેડીના 9 તથા અન્ય 9 સાંસદોએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આપણ વાંચો: લોકસભામાં આજે રજૂ થશે વક્ફ સંશોધન બિલ…