Health: તમારી ઊંઘથી માંડી જાતીય ઈચ્છાઓ માટે આ હેપ્પી હૉર્મોન છે જવાબદારઃ
ખુશ રહેવા માટે શું જરૂરી છે. મન અને શરીરનું તંદુરસ્ત રહેવું, સમયસર ભૂખ લાગવી, તેનું યોગ્ય પાચન થવું અને સારી ઊંઘ આવવી. આપણે ભલે ભાવનાત્મક બાબતોને ખુશ રહેવા સાથે જોડીએ, પરંતુ ખરેખર ખુશી, આનંદ તમારા શરીર સાથે જોડાયેલી વાત છે. મન ચંગા તો કથરોટ મે ગંગા, તેમ કહેવાય છે ત્યારે આ તન અને મનને શાંત અને આનંદમાં રાખવા માટે એક ખાસ હૉર્મોન કામ કરી જાય છે અને તેથી જ તેને હેપ્પી હૉર્મોન કહેવાય છે. આ હૉર્મોન છે સેરેટોનિન. શિયાળાની ઋતુમાં આ હૉર્મોન મેળવવાના ઘણા રસ્તાઓ છે, તો ચાલો જાણીએ આ હેપ્પી હૉર્મોન વિશે.
આપણા પેટમાં સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે ત્યારે જ આપણને મનમાંથી આ ખુશી મળે છે. જો તમે હંમેશા ખુશ રહો છો, તમારો મૂડ સારો છે, તમે હંમેશા સેલિબ્રેશનના મૂડમાં છો, તો સમજી લો કે આ હોર્મોન તમારા આંતરડામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ એક હોર્મોન છે જે ન માત્ર તમારો મૂડ સુધારે છે પણ તમારા આંતરડાને પણ સ્વસ્થ રાખે છે. આ હોર્મોન ન્યુરોટ્રાન્સમીટરની જેમ કામ કરે છે જે આપણા મગજ, વિચારવાની શક્તિ, ઊંઘ-, મૂડ અને જાતીય ઈચ્છા સાથે સંબંધિત છે.
સેરોટોનિન હોર્મોન ઓછા હોય તો ?
સેરોટોનિન હોર્મોનનું કાર્ય મૂડને નિયંત્રિત કરવાનું છે. જેના કારણે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ.
આ હોર્મોન ઊંઘના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સેરોટોનિન હોર્મોન પોતે મેલાટોનિનમાં રૂપાંતરિત થાય છે. શરીરમાં સેરોટોનિન હોર્મોન ઓછા થવાને કારણે ચિંતા, હતાશા અને ઉદાસી વધે છે.
આ હોર્મોન આપણી શીખવાની ક્ષમતાને પણ અસર કરે છે. મનને શિથિલ અને આળસું બનાવી દે છે. નવું અપનાવતા ડર અથવા કંટાળો આવે છે.
આ હોર્મોનમાં ઘટાડો થવાને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, ગેસ, એસિડિટી, અપચો પણ થાય છે. આ હોર્મોન ભૂખ અને પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ હોર્મોનની ઉણપને કારણે સેક્સની ઈચ્છા ઘટી જાય છે. તમારું વૈવાહિક કે પારિવારિક જીવન પર પણ આ હૉર્મોનને કારણે અસર થાય છે. તમે મૂડમાં નથી રહેતા, આનંદીત નથી રહી શકતા તેને લીધે સંબંધો પર પણ અસર થાય છે.
સાવ સહેલું છે હેપ્પી હૉર્મોન્સને વધારવાનું
હવે જો આ હૉર્મોન્સ આટલા મહત્વના છે તો પછી તે તો મોંઘા હશે ને એટલે કે મેળવવા અઘરા હશે ને, આવો સવાલ તમને થાય તો જવાબ છે ના. તમારી નાની મોટી ટેવ બદલવાથી અને થોડી દરકાર લેવાથી આ હૉર્મોન્સ વધી શકે છે.
થોડીવાર તડકામાં રહો, તમારો મૂડ સારો રહેશે
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. તડકો લેવાનું આપ પણ ગમશે ત્યારે સૌથી પહેલા તો તમારે સૂરજદાદાને રોજ મળવાનું છે. ખાસ કરીને મહિલાઓ સવારના તડકાથી વંચિત રહે છે. તો ઘરનું કામ એ રીતે મેનેજ કરો કે તમે સવારનો મીઠો તડકો લઈ શકો. જો તે શક્ય ન બને તો દિવસમાં થોડીવાર માટે તડકો લેવાનું અચૂક રાખો. હાંડકાની મજબૂતી માટે પણ બહુ જરૂરી છે.
ખુશીના આ હોર્મોનને વધારવા માટે તમારે થોડો સમય તડકામાં વિતાવવો જોઈએ. સવારના સૂર્યપ્રકાશના ગરમ કિરણો તમારા શરીર-મન બન્નેને ફાયદો કરાવશે. જો તમે સવારે તડકામાં થોડો સમય વિતાવો છો, તો તમે આ સેરોટોનિન હોર્મોનનું સ્તર વધારી શકો છો.
સવારે કસરત કરો
નિયમિત શારીરિક પ્રવૃત્તિ સેરોટોનિનનું સ્તર વધારી શકે છે. દરરોજ સવારે ખુલ્લા આકાશ નીચે થોડો સમય કસરત કરવાથી તમારા શરીરમાં સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે છે.
પોષક આહાર લો
જંક ફૂડ કે મનગમતું ફૂડ ખાઈ તમે એકાદ કલાક માટે ભલે મજા માણતા હોવ, પરંતુ હંમેશાં હેલ્ધી રહેવા, મોજમાં રહેવા માટે સેરોટોનિન હોર્મોનને વધારવા માટે તમારે તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. આ આહારનું સેવન કરવાથી તમારો મૂડ સુધરશે. જ્યારે શરીરમાં ખુશીના આ હોર્મોન વધે છે, ત્યારે તમે ખુશ થશો.
ઊંડો શ્વાસ લો
તમે લાંબા ઊંડા શ્વાસ લઈને પણ આ હેપીનેસ હોર્મોનને શરીરમાં વધારી શકો છો. લાંબા ઊંડા શ્વાસ લેવાથી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે જે શરીર અને મનના મૂળમાં આરામનો સંદેશ આપે છે. થોડા યોગાસનો, મેડિટેશન પણ મદદરૂપ થાય છે.
મન મૂકીને હસો
જો તમે ખુશીના આ હોર્મોનને વધારવા માંગતા હોવ તો હસતા રહો. ખુલ્લેઆમ હસો, તમે જેટલું હસશો તેટલી ઝડપથી આ હોર્મોન બહાર આવશે. તકલીફમાં હો તો પણ તમારા મન પર નિયંત્રણ રાખો. વાંચન કરો અથવા તો એવા કાર્યક્રમો જૂઓ જે તમારા મનને પ્રફુલ્લિત રાખે.
Also Read – સવારના નાસ્તાના છે અઢળક ફાયદા! નહિ કરનારા લોકો માટે ચેતવણી…
સંગીત પણ વધારે છે સેરોટેનિન હૉર્મોન્સ
ખુશીના આ હોર્મોનને વધારવા માટે, તમે સંગીત સાંભળો જ્યારે તમે તમારા મનપસંદ ગીતો સાંભળો છો, નૃત્ય કરો છો અથવા ગાઓ છો, ત્યારે આ ખુશીનો હોર્મોન તમારા શરીરમાં ઝડપથી બહાર આવે છે.
સંવાદ સાધો
તમારા મનપસંદ પાત્ર સાથે વાત કરવાનું ચૂકશો નહીં. દિવસની નાની નાની વાતો પણ તેને કહી શકો. આખા દિવસમાં કંઈક તો સારું થયું જ હશે, તો શેર કરો. જો કોઈ સાથે વાત કરવાનું મન ન થાય તો ડાયરીમાં લખો. અન્યો સાથે અને પોાની જાત સાથે સંવાદ સાધવો હેલ્ધી લાઈફસ્ટાઈલનો એક ભાગ છે.