નિત્યાનંદ અનુયાયીઓએ કાલ્પનિક દેશ ‘કૈલાસા’ કેવી રીતે ઉભો કર્યો? સ્થનિકોને આ રીતે છેતર્યા

નવી દિલ્હી: ચાઈલ્ડ ટ્રાફિકિંગ આરોપસર ભારતમાં વોન્ટેડ નિત્યાનંદ(Nithyananda)ના અનુયાયીઓએ દક્ષિણ અમેરિકાના દેશ બોલીયામાં મોટું કૌભાંડ આચર્યું હતું. નિત્યાનંદ અને તના અનુયાયીઓએ બોલિવિયા(Bolivia)માં એક નકલી દેશ સ્થાપ્યો હતો, જેને ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ નામ આપવામાં આવ્યું હતું. બોલિવિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કૈલાસા સાથે સંકળાયેલા 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ એમેઝોનના જંગલમાં રહેતા સ્થાનિક લોકો પાસેથી 1,000 વર્ષના લીઝ પર જમીન લઇ લીધી હતી.
યુએસના એક પ્રમુખ અખબાર મુજબ, ગયા અઠવાડિયે કૈલાસા સાથે જોડાયેલા 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર જમીન પચાવી પાડવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આજે પ્રકાશિત થેયલા એક અહેવાલ મુજબ કૈલાસાના સભ્યો દ્વારા કરવામાં આવેલા કરારોને રદ કરવામાં આવ્યા છે, અને તેમને ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, સ્વીડન અને ચીન સહિત તેમના સંબંધિત દેશોમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
આ રીતે પચાવી પાડી જમીન
અહેવાલ મુજબ, કૈલાસના અનુયાયીઓ ટુરિસ્ટ વિઝા પર બોલિવિયા આવ્યા હતા. તેમણે કોઈ રીતે દેશના રાષ્ટ્રપતિ લુઈસ આર્સ સાથે ફોટો પણ પડાવ્યો હતો. બોલિવિયન અખબાર એલ ડેબર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ સ્થાનિક સમુદાયો સાથેના જમીન સોદા અંગેની માહિતી પ્રકાશમાં આવી હતી.
અખબારે માહિતી આપી કે કેવી રીતે નિત્યાનંદના અનુયાયીઓએ એમેઝોનનના સ્થાનિક જૂથો પાસેથી જમીન ભાડે લઇને એક કાલ્પનિક દેશ વસાવ્યો હતો. આ જૂથોમાંથી એક, બૌરના નેતા પેડ્રો ગુઆસિકોએ અખબારને જણાવ્યું હતું કે કૈલાસા સભ્યો ગયા વર્ષે જંગલની આગ ઓલવવા માટે મદદ કરવા પહોંચ્યા હતાં, પછી તેમની સાથે સંપર્ક શરૂ થયો હતો.
વાતચીત બાદ નવી દિલ્હી કરતા ત્રણ ગણી જમીન ભાડાપટ્ટે લેવામાં આવી. અહેવાલ મુજબ, બૌર 25 વર્ષના સોદા માટે સંમત થયા જે, જેના માટે વાર્ષિક લગભગ $200,000 ચૂકવવાનું નક્કી થયું હતું. જોકે, જ્યારે કૈલાસના સભ્યો અંગ્રેજીમાં ડ્રાફ્ટ લઇને આવ્યા, ત્યારે લીઝનો સમયગાળો વધારીને 1,000 વર્ષ કરવામાં આવ્યો. તેમાં એરસ્પેસ ઉપયોગ અને કુદરતી સંસાધનો કાઢવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી હતી.
નિત્યાનંદ ભારતમાં ચાઈલ્ડ ટ્રાફિકીંગના આરોપ સર વોન્ટેડ છે. 2019 માં તેમનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો અને હાલ તે ક્યાં છુપાયેલો છે તેની કોઈ માહિતી નથી. 2023 માં, નિત્યાનંદના સ્વ-ઘોષિત “યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસ” એ 30 થી વધુ અમેરિકન શહેરો સાથે “કલ્ચરલ પાર્ટનરશીપ” પર હસ્તાક્ષર કર્યા હતા.