ટોપ ન્યૂઝનેશનલ

જાણો જમ્મુ અને કાશ્મીરમાં કુલ કેટલા મતદારો છે?

શ્રીનગર: સુપ્રીમ કોર્ટમાં જ્યારે 370 પર સુનાવણી કરી તે સમયે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે તેવા એંધાણ આપી દીધા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે ચૂંટણીના પડઙમ વાગી રહ્યા છે ત્યારે હવે જમ્મુ-કાશ્મીરની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 2.31 લાખથી વધુ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણીના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અંતિમ મતદાર યાદી જાહેર કર્યા બાદ કુલ 86.93 લાખ મતદારો થાય છે, જેમાંથી 44.34 લાખ પુરૂષો, 42.58 લાખ મહિલાઓ છે.

મતદાર યાદી જાહેર થતાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ચૂંટણીઓ યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ત્યારે ચૂંટણીના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી મતદાર યાદી આજે તમામ મતદાન મથકો, ચૂંટણી નોંધણી અધિકારીઓની કચેરીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં પ્રકાશિત કરવામાં આવી છે તેમજ 2.31 લાખ જેટલા નવા મતદારોની યાદીને વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવી છે.


જમ્મુ કાશ્મીરમાં મતદાન યાદીની નોંધણી દરમિયાન 1.45 લાખ મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃત્યુ, ટ્રાન્સફર અથવા અન્ય કારણોસર 86,000 જેટલા નામો કાઢી નાખવામાં પણ આવ્યા હતા. મતદાન કરનાર લોકોમાં 10 ટકા જેટલો વધારો થયો છે.


ભારતીય ચૂંટણી પંચની વિગતવાર સૂચનાઓ અનુસાર જ્યારે હવે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો સાથે પરામર્શ કર્યા બાદ નવા 259 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 17 ઓક્ટોબર 2023 ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશન સાથે મતદાર ગણતરીના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. માન્ય રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષો સહિતના હિસ્સેદારોને જોડવા માટે, જિલ્લા ચૂંટણી અધિકારીઓએ તેમની સાથે બેઠકો યોજી, તેમને અનુસરવાની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપી અને તેમને બૂથ લેવલ એજન્ટોની નિમણૂક કરીને પ્રક્રિયામાં ભાગ લેવા જણાવ્યું હતું.


આ ઉપરાંત મતદારોને પણ એવી અપીલ કરી કે જો કોઈ લાયક મતદાર હોય અને તે સરકારની જાણ બહાર હોય તો તેઓ સામેથી જણાવે જેથી તેમના નામ પણ ઉમેરી શકાય. તેમજ કોઈનું મૃત્યુ થું હોય કે કોઈ કારણસર તેઓ મતદાર તરીકે ના ગણી શકાતા હોય તો તેમના નામ પણ જણાવવા માટે મતદારો કહેવામાં આવ્યું હતું જેથી ચૂંટણી યોજાય ત્યાં સુધીમાં શક્ય તેટલા સુધારા વધારા થઈ શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button