ગુજરાત સહિત કયા રાજ્યમાં કેટલા રેશન કાર્ડ થયા રદ? લોકસભામાં અપાઈ માહિતી

નવી દિલ્હી/અમદાવાદઃ સંસદના શિયાળુ સત્રમાં આજે રેશન કાર્ડ રદ અને ઈ કેવાયસી વેરિફિકેશન અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કાર્તિ ચિદમ્બરમ, ડૉ. નામદેવ કિરસાન, રમાસહાયમ રઘુરામ રેડ્ડી તથા ચરનજીત સિંહ ચન્ની દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ઓક્ટોબર 2025 સુધી દેશમાં રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશ અનુસાર કેટલા એક્ટિવ રેશનકાર્ડ છે, વર્ષ 2020થી અત્યાર સુધીમાં રાજ્ય – કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેટલા રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે, રેશન કાર્ડ રદ કરવાના મુખ્ય કારણ કયા છે, 2020થી અત્યાર સુધીમાં રદ કરવામાં આવેલા રેશન કાર્ડની વર્ષ પ્રમાણે કેટલી સંખ્યા છે, ઈ કેવાયસી કે આધાર વેરિફિકેશન ન કરાવી શકવાના કારણે રદ કરવામાં આવેલી રેશન કાર્ડની સંખ્યા કેટલી છે, શું સરકારને ખોટી રીતે રેશન કાર્ડ રદ કર્યાની ફરિયાદ મળી છે અને જો હા તો તેનું વિવરણ શું છે.
જેનો જવાબ આપતા સરકારે જણાવ્યું કે, એનએફએસએ અંતર્ગત લાભાર્થીઓની ઓળખ કરવાની જવાબદારી સંબંધિત રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની છે. રેશન કાર્ડ રદ કરવાના મુખ્ય કારણોમાં ડુપ્લિકેટ તથા અયોગ્ય લાભાર્થીઓની ઓળખ, ઈ-કેવાયસીમાં વિસંગતતા, મૃત્યુ તથા પરિવારોનું સ્થળાંતર સામેલ છે. માત્ર ઈ કેવાયસી કે આધાર વેરિફિકેશન પૂરું ન થવાના કારણે એકપણ રેશન કાર્ડ રદ થયાની સૂચના મળી નથી. આ ઉપરાંત રેશન કાર્ડ ખોટી રીતે રદ કર્યાનો કોઈ વિશેષ રિપોર્ટ અથવા ફરિયાદ મળી નથી.
ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોની સંખ્યા 75,17,392 છે. 2020માં રાજ્યમાં 47,936, 2021માં 2,19,151, 2022માં 1,32,519, 2023માં 1,35,362, 2024માં 30,899 તથા 2025માં (25 ઓક્ટોબર સુધી) 69,102 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: દિવાળી UNESCOની આ યાદીમાં સામેલ: વડાપ્રધાને દેશવાસીઓને પાઠવી શુભેચ્છા



