
પટનાઃ બિહારમાં એનડીએની જીત બાદ બાદ જેડીયના વડા નીતિશ કુમાર આજે મુખ્ય પ્રધાન પદના શપશ લેશે. તેઓ 10મી વખત મુખ્ય પ્રધાનનું પદ સંભાળીને એક રેકોર્ડ પણ બનાવશે. પટનાના ગાંધી મેદાનમાં નીતિશ કુમારની તાજપોશીનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
જ્યારે પહેલીવાર CM બન્યા નીતિશ
બિહારના મુખ્ય પ્રધાન તરીકે આ નીતિશ કુમારનો દસમો કાર્યકાળ હશે. તેમણે પહેલીવાર 2000માં શપથ લીધા હતા. તે વખતે, તેઓ સમતા પાર્ટીનો હિસ્સો હતા. તેમનો કાર્યકાળ ફક્ત સાત દિવસો સુધી ચાલ્યો હતો. કારણ કે સરકાર સત્તામાં ટકી રહેવા માટે પૂરતું સંખ્યાબળ એકઠું કરી શકી નહોતી. વર્ષ 2005માં, નીતિશે પોતાની પાર્ટી, જેડીયુનું ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી હાંસલ કરીને સત્તામાં આવ્યા. 2010માં ગઠબંધને વધુ મજબૂત જનાદેશ સાથે સત્તા જાળવી રાખી હતી.
ભાજપથી નાતો તૂટ્યો…
વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા પછી, નીતિશે ભાજપ સાથે નાતો તોડી નાખ્યો, પરંતુ હરીફ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના બહારના સમર્થનથી સત્તામાં બની રહ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં, તેમની પાર્ટીએ એકલા ચૂંટણી લડી અને હારી ગઈ. આ હારની નૈતિક જવાબદારી લેતાં, તેમણે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને પોતાના તત્કાલીન પાર્ટી સહયોગી જીતન રામ માંઝીને સત્તા સોંપી દીધી હતી.
માંઝીનો મુખ્ય પ્રધાન કાર્યકાળ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો. 2015ની ચૂંટણીઓ પહેલાં નીતિશ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા અને તેમણે આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન બનાવ્યું હતું. ગઠબંધને ચૂંટણી જીતી અને નીતિશે ફરીથી મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા.
વર્ષ 2017માં નીતિશે મહાગઠબંધનથી નાતો તોડી નાખ્યો અને પોતાની સરકાર ભંગ કરી દીધી. તેના તરત પછી, તેમણે ભાજપ સાથે મળીને ફરીથી મુખ્ય પ્રધાન પદના શપથ લીધા. 2020માં એનડીએને સામાન્ય બહુમત મળી હતી. જોકે જેડી (યુ)ની બેઠકો ઘટીને 43 રહી ગઈ અને ભાજપની બેઠકો વધીને 74 થઈ હતી, તેમ છતાં ચૂંટણીઓ પછી ગઠબંધને નીતિશને જ મુખ્ય પ્રધાન બનાવી રાખવાનો નિર્ણય કર્યો હતો.
2022માં નીતિશે ફરીથી સરકાર ભંગ કરી દીધી અને ભાજપથી નાતો તોડીને આરજેડી અને કોંગ્રેસ સાથે ફરીથી ગઠબંધન કરી લીધું હતું. તેના તરત પછી, તેમણે પોતાના પૂર્વ હરીફોના સમર્થનથી ફરીથી મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. આ સરકાર મુશ્કેલીથી 17 મહિના ચાલી હતી. નીતિશે ફરીથી મહાગઠબંધનથી નાતો તોડી નાખ્યો અને 2024ની શરૂઆતમાં ભાજપ સાથે ફરીથી ગઠબંધન કરી લીધું. આ પછી તેમણે ફરીથી મુખ્ય પ્રધાન પદના શપથ લીધા.
74 વર્ષીય નીતિશ કુમારને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ટીકાકારોએ એક નબળી તાકાત ગણાવ્યા હતા. તેમના પૂર્વ સહયોગી અને હવે તેમના હરીફ પ્રશાંત કિશોરે જેડી (યુ)ને 25થી ઓછી બેઠકો પર સીમિત રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જોકે, ચૂંટણી વિશ્લેષકોને આશ્ચર્ય થયું, જ્યારે નીતીશની પાર્ટીએ 2020માં જીતેલી 43 બેઠકોની તુલનામાં લગભગ બમણી એટલે કે 85 બેઠકો હાંસલ કરી હતી.
બિહારની 243 બેઠકોમાંથી 202 બેઠકો જીતનાર આ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટીના 89 અને જનતા દળ (યુનાઇટેડ)ના 85 ધારાસભ્યો સામેલ છે. આ ઉપરાંત, તેમાં ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના 19, હિંદુસ્તાન આવામી મોરચા (સેક્યુલર)ના પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચાના ચાર ધારાસભ્યો સામેલ છે.
આ પણ વાંચો…વાંચો ….. નીતિશ કુમાર માટે નવેમ્બર મહિનો છે લકી, 20 નવેમ્બર સાથે છે ખાસ કનેક્શન…



