‘ફ્રી રેવડી ક્યાં સુધી, રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન આપો’ સુપ્રીમ કોર્ટનો સવાલ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારો દ્વારા મફતમાં આપવામાં આવતી સુવિધાઓ પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે સવાલ કર્યો હતો કે ફ્રી રેવડીનું વિતરણ ક્યાં સુધી કરવામાં આવશે? કોવિડ રોગચાળા બાદથી મફત રાશન મેળવતા પ્રવાસી મજૂરો માટે રોજગારીની તકો ઊભી કરવાની જરૂર છે.
જ્યારે કેન્દ્રએ કોર્ટને કહ્યું કે 81 કરોડ લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ મફત અથવા સબસિડીવાળા રાશન આપવામાં આવે છે, ત્યારે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે ‘આનો અર્થ એ થયો કે માત્ર કરદાતાઓ જ બાકી છે.’
એનજીઓ દ્વારા દાખલ કરાયેલા એક કેસમાં હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે જે પરપ્રાંતિય મજૂરો “ઈ-શ્રમિક” પોર્ટલ પર નોંધાયેલા છે તેમને મફત રાશન મળવું જોઈએ. આના પર બેંચે કહ્યું, ‘મફતમાં ક્યાં સુધી રાશન આપવામાં આવશે? શા માટે આપણે આ સ્થળાંતરિત મજૂરો માટે રોજગારની તકો, રોજગાર અને ક્ષમતા નિર્માણ પર કામ નથી કરતા?
એડવોકેટ ભૂષણે કોર્ટને કહ્યું હતું કે કોર્ટે સમયાંતરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્થળાંતરિત મજૂરોને રેશન કાર્ડ આપવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેઓ કેન્દ્ર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મેળવી શકે. તેમણે કહ્યું કે તાજેતરના આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે જેમની પાસે રેશન કાર્ડ નથી પરંતુ તેઓ “ઈ-શ્રમિક” પોર્ટલ પર નોંધાયેલા છે, તેમને કેન્દ્ર દ્વારા મફત રાશન આપવામાં આવશે.
Also Read – ધર્મના આધારે અનામત પર સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી; કોર્ટે કહી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે…
જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, ‘આ તો એક સમસ્યા છે. જો અમે રાજ્યોને તમામ પરપ્રાંતિય મજૂરોને મફત રાશન આપવાનો આદેશ આપીશું, તો અમે જાણીએ છીએ કે અહીં કોઈ દેખાશે નહીં. તેઓ ભાગી જશે. રાજ્યો જાણે છે કે આ કેન્દ્રની જવાબદારી છે, તેથી જ તેઓ રાશન કાર્ડ જારી કર્યા કરે છે.
ભૂષણે દલીલ કરી હતી કે જો 2021ની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હોત, તો સ્થળાંતર મજૂરોની સંખ્યામાં વધારો થયો હોત કારણ કે કેન્દ્ર હાલમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા પર નિર્ભર છે. આના પર બેન્ચે કહ્યું હતું કે, “આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મતભેદો ન સર્જવા જોઇએ, કારણ કે આમ કરવાથી પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જશે.”