નેશનલ

“શાળાઓમાં આ તે કેવું શિક્ષણ અપાઇ રહ્યું છે?” મુઝફ્ફરનગરની ઘટના પર ભડકી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શાળાના બાળક સાથે મારપીટની ઘટના પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારનો કાન આમળ્યો છે. સુપ્રીમે ટિપ્પણી કરી હતી આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. આ જીવવાના અધિકારનું અપમાન છે, અંતરાત્માને હચમચાવી મુકે તેવી ઘટના છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું હતું કે FIR દાખલ કરતા આટલો સમય કેમ થયો?

“એક શિક્ષકે બાળકના ધર્મને કારણે તેની સાથે મારપીટ કરવાનો આદેશ આપ્યો. શાળાઓમાં આ તે કેવું શિક્ષણ અપાઇ રહ્યું છે?” તેમ પૂછતાં સુપ્રીમ કોર્ટે IPS ઓફિસરને તપાસ સોંપવાનો આદેશ કર્યો હતો. તેમજ ઉત્તરપ્રદેશના શિક્ષણ વિભાગ પાસેથી પણ આ મામલે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે. આ અંગે આગળની સુનાવણી 30 ઓક્ટોબરે યોજાશે.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એએસ ઓકે કહ્યું કે જે રીતે FIR નોંધવામાં આવી હતી તેની સામે અમને ગંભીરપણે વાંધો છે. બાળકના પિતાએ નિવેદન આપેલું છે કે તેને ધર્મના કારણે માર મારવામાં આવ્યો હતો પરંતુ FIRમાં તેનો ઉલ્લેખ નથી. અહીં ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે. ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સંવેદનશીલ શિક્ષણનો પણ સમાવેશ થાય છે. જે રીતે આ બન્યું છે તેનાથી સત્તાધીશોનો અંતરાત્મા હચમચી જવો જોઈએ.

આ અંગે યુપી સરકાર વતી વકીલ કેએમ નટરાજે દલીલ કરતા કહ્યું હતું કે આ મામલે સાંપ્રદાયિક પાસાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને સવાલો કરતા કહ્યું હતું કે સમગ્ર મામલે ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવશે? ઘટનાના સાક્ષીઓ અને બાળકને શું સુરક્ષા આપવામાં આવશે? આ સાથે કોર્ટે સૂચન પણ કર્યું હતું કે બાળકનું કોઈ પ્રોફેશનલ દ્વારા કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button