સોનિયા ગાંધીની કેવી છે તબિયત? હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન | મુંબઈ સમાચાર
નેશનલ

સોનિયા ગાંધીની કેવી છે તબિયત? હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈ સર ગંગા રામ હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે. તેમને પેટ સંબંધી સમસ્યાને લઈ રવિવારે સાંજે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના નિવેદન અનુસાર, સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યા માટે સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગમાં રવિવારે રાત્રે 9 કલાકે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

આ પહેલા સોનિયા ગાંધીએ 9 જૂને મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ સોનિયા ગાંધીએ શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજેમાં વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી વખત ખરાબ થઈ છે અને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા છે.

સોનિયા ગાંધીએ તેમના પતિ રાજીવ ગાંધીના અવસાન પછી 1998માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની કમાન સંભાળી હતી. તેઓ લગભગ 19 વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. તેમણે 2004માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવી, પરંતુ વડા પ્રધાન બનવાની તક છોડીને મનમોહન સિંહને વડા પ્રધાન બનાવ્યા હતા. તેઓ રાયબરેલીથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2024માં તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા.

આ પણ વાંચો…સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button