કઈ રીતે લક્ષદ્વીપ બન્યું ભારતનો હિસ્સો, કેમ છે કેન્દ્રશાસિત પ્રદેશ? બધી માહિતી એક Click પર…

અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકો લક્ષદ્વીપ વિશે જ ચર્ચા ચાલી રહી છે અને આજે અમે અહીં તમારા માટે એ જ અનુસંધાનમાં એક મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ. જો તમને કોઈ પૂછે કે લક્ષદ્વીપ કઈ રીતે ભારતનો હિસ્સો બન્યું, કે પછી આજે પણ આ ટાપુ કેમ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે છે તો? બે મિનિટ માટે માથું ખંજવાળવા લાગ્યાને? ડોન્ટ વરી અમે આ બંને સવાલોના જવાબ લઈને આવ્યા છીએ. આ માટે આપણે પહોંચી જવું પડશે 1947માં કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થઈ રહ્યા હતા…
ઓગસ્ટ, 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થઈ રહ્યા હતા ત્યારે ભારતના તત્કાલિક ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 500થી વધુ રજવાડાને એક કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન લિયાકત અલી ખાને પંજાબ, સિંધ, બંગાળ, હજારાને પાકિસ્તાનમાં ભેગા કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પણ એ સમયે પાકિસ્તાન કે ભારત બંનેમાંથી કોઈનું પણ ધ્યાન લક્ષદ્વીપ તરફ નહીં ગયું.
આઝાદી પછી લક્ષદ્વીપ ભારત કે પાકિસ્તાન કોઈના પણ અધિકારક્ષેત્રમાં નહોતું આવતું કારણ બંને દેશ પહેલાં મેનલેન્ડના દેશોને પોતાની સાથે જોડવાની ફિરાકમાં હતા. ઓગસ્ટના અંતમાં પાકિસ્તાનના લિયાકત અલી ખાનને વિચાર આવ્યો કે લક્ષદ્વીપ મુસ્લિમ બહુમતિવાળો વિસ્તાર છે અને ભારતે હજી સુધી એના પર દાવો નથી કર્યો તો કેમ ના એના પર પોતાનો દાવો કરવામાં આવે? બસ તેમણે પાકિસ્તાની યુદ્ધજહાજો લક્ષદ્વીપની દિશામાં રવાના કરી અને એ જ સમયે સરદારને પણ લક્ષદ્વીપને ભારતમાં સામેલ કરવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાના સૈન્યને લક્ષદ્વીપ મોકલીને ત્યાં ભારતનો તિરંગો ફેલાવવાનો આદેશ આપ્યો.
બંને દેશની સેના રસ્તામાં હતી, પણ ભારતીય સૈન્ય પહેલાં લક્ષદ્વીપ પહોંચી ગયું અને ત્યાં પોતાનો તિરંગો લહેરાવી દીધો. દરમિયાન પાકિસ્તાનનું યુદ્ધ જહાજ પણ લક્ષદ્વીપ પહોંચ્યું પણ ત્યાં તિરંગો જોઈને પાછું ફર્યું હતું. ત્યારથી લક્ષદ્વીપ ભારતનું અભિન્ન અંગ બની ગયું છે. જો ભારતીય સૈન્ય અડધો કલાક પણ મોડી થાત તો આજે ઈતિહાસ કંઈક અલગ હોત.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ હવે ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યામાં આઠ છે અને આ આઠ રાજ્યમાં એક લક્ષદ્વીપ પણ છે. પહેલી નવેમ્બર, 1956માં લક્ષદ્વીપને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે લક્કાદીવ-મિનિકોય-અમિનીદિવીના નામે ઓળખાવા લાગ્યું.
પહેલી નવેમ્બર, 1973ના તેનું નામ બદલીને લક્ષદ્વીપ કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશો પાસે પોતાની સરકાર નથી હોતી અને અહીં સીધું કેન્દ્ર સરકારનું શાસન ચાલે છે. કેન્દ્રશાસિત પ્રદેશો ભારતની ધરતીથી દૂર હોય છે અને લોકસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ ખૂબ જ નાના હોય છે. આ જ કારણ છે એને રાજ્યનો દરજ્જો ના આપી શકાય. લક્ષદ્વીપને પણ ભૌગોલિક કારણસરો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.