બાપુનો ફોટો ચલણી નોટ પર કેવી રીતે આવ્યો…
આજે 2 ઓક્ટોબર એટલેકે લોકલાડીલા બાપુની જન્મ જયંતિ, આપણે સહુ બાપુના જીવન ચરિત્ર વિશે જાણીએ જ છીએ પરંતુ ઘણી બાબતો એવી છે જેનાથી આપણે સહુ અજાણ છીએ. આજે તમને એવી જ એક મઝાની વાત જણાવું કે બાપુનો ફોટો કોણે પાડ્યો અને એ આપણી કરન્સી એટલે કે ચલણી નોટો પર કેવી રીતે આવ્યો..
ભારતીય રૂપિયા પર જોવા મળેલ મહાત્મા ગાંધીનું ચિત્ર કોઈ વ્યંગચિત્ર અથવા ચિત્ર નથી, પરંતુ મૂળ ફોટામાંથી કટ આઉટ છે. આ ફોટોગ્રાફ વર્ષ 1946માં કલકત્તા એટલે કે આજનું કોલકાતાના વાઇસરોય હાઉસમાં લેવામાં આવ્યો હતો.
હેનરી કાર્ટિયરથી લઈને માર્ગારેટ બોર્કે વ્હાઇટ અને મેક્સ ડેસફોર સુધીના વિશ્વના ઘણા પ્રખ્યાત ફોટોગ્રાફરોએ મહાત્મા ગાંધીની તસવીરો લીધી હતી. પરંતુ રૂપિયા પર દેખાતું ગાંધીજીનું ચિત્ર કોણે દોર્યું તે આજ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે બાપુનો ફોટો ભારતીય ચલણ પર છાપવાનું કોને નક્કી કર્યું એ માહિતી ક્યાંય ઉપલબ્ધ નથી.
મહાત્મા ગાંધીની હસતી તસવીર એ ભારતીય રૂપિયાની ઓળખ છે. આઝાદીના 49 વર્ષ બાદ પણ ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીનો ફોટો કાયમી ધોરણે છપાયો ન હતો, પરંતુ તેની જગ્યાએ અશોક સ્તંભ છાપવામાં આવ્યો હતો. આઝાદીના બે વર્ષ બાદ પણ સ્વતંત્ર ભારતના ચલણમાં કોઈ ફેરફાર થયો ન હતો. 1949 સુધી નોટો પર માત્ર બ્રિટનના રાજા જ્યોર્જ (6ઠ્ઠા)ની તસવીર જ છાપવામાં આવતી હતી. 1949માં ભારત સરકાર પહેલીવાર 1 રૂપિયાની નોટની નવી ડિઝાઈન લાવી અને તેના પર કિંગ જ્યોર્જની જગ્યાએ અશોક સ્તંભ છાપવામાં આવ્યો. ત્યારબાદ 1950માં સરકારે 2, 5, 10 અને 100 રૂપિયાની નોટો છાપી હતી. આ નોટો પર અશોક સ્તંભનું ચિત્ર પણ છપાયેલું હતું. પછીના કેટલાક વર્ષો સુધી, અશોક સ્તંભની સાથે ભારતીય ચલણ બઝારમાં ફરતું હતું.
વર્ષ 1969માં પ્રથમ વખત રૂપિયા પર મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળ્યો હતો. તે વર્ષે મહાત્મા ગાંધીની 100મી જન્મજયંતિ હતી ત્યારબાદ વર્ષ 1987માં બીજી વખત 500 રૂપિયાની નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છપાઈ હતી.
વર્ષ 1995માં રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને ચલણી નોટો પર કાયમી ધોરણે મહાત્મા ગાંધીની તસવીર છાપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારની મંજૂરી બાદ 1996માં અશોક સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીની તસવીર સાથેનું ચલણ છાપવાનું શરૂ થયું. જો કે ત્યારબાદ પણ અશોક સ્તંભને નોટમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો ન હતો. વર્ષ 2016માં રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીની તસવીરવાળી નોટો લોન્ચ કરી હતી. નોટ પર મહાત્મા ગાંધીની તસવીરની સાથે બીજી બાજુ ‘સ્વચ્છ ભારત અભિયાન’નો લોગો પણ છપાયો હતો.