GST CUT: 4 રૂપિયા 45 પૈસાના બિસ્કિટ, 88 પૈસાની પિપરમેન્ટઃ છુટ્ટા પૈસા જશે કોના ગજવામાં?

નવી દિલ્હીઃ 70, 80ના દાયકામાં જન્મેલાને યાદ હશે ચોરસ આકારના પાંચ પૈસા અને ષષ્ઠકોણ આકારના 20 પૈસા યાદ હશે અને નાનકડી ક્યૂટ ગોળ ગોળ પાવલી. હવે આ ચલણ તો સરકારે બંધ કરી દીધું છે ત્યારે સવાલ એ છે કે જીએસટી ઘટાડયા બાદ અમુક વસ્તુઓના જે ઘટેલા ભાવ છે તે લોકો કઈ રીતે ચૂકવશે.
22મી સપ્ટેમ્બર એટલે કે પહેલી નવરાત્રીથી કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમાં ઘટાડો અમલમાં મૂકી મધ્યમવર્ગ અને ગરીબવર્ગને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આ નવા નિયમોનો અમલ કરતા ઘણી વસ્તુઓના ભાવ ઘટી ગયા છે, પરંતુ અમુક અડચણો એવી આવી રહી છે જેનો નિવેડો લાવવો પડશે, બાકી ગ્રાહકોને ફાયદો થશે નહીં.
આ પણ વાંચો : GST CUT પછી પણ દુકાનદાર જૂના ભાવે માલ આપે તો?: જાણો આ સાથે ઘણી મહત્વની માહિતી
45 પૈસા કે 77 પૈસા કઈ રીતે આપશો
વર્ષોથી આપણે બીજું કંઈ ન મળે તો પાંચ રૂપિયાનું પાર્લેજીનું પેકેટ ખરીીદ ખાઈ લઈએ છીએ કે ખવડાવીએ છીએ. હવે આ પાંચ રૂપિયાના પાર્લેજીનો ઘટાડેલો ભાવ છે રૂ. 4.45 પૈસા. તમારી પાસે ચાર રૂપિયા તો છે, પણ 45 પૈસા કઈ રીતે આપશો.
ચલણમાં 50 પૈસાના સિક્કા હોવા છતાં તે ઘણા જ ઓછા છે અને દુકાનદારો લેવા પણ તૈયાર થતા નથી. આવી જ રીતે બે રૂપિયાનું શેમ્પુ તમને 1.77 પૈસામાં મળશે અને એક રૂપિયાની ચોકલેટ કે પિપરમેન્ટ તમને 88 પૈસામાં મળશે. તો આ બધા પૈસા ચૂકવાશે કઈ રીતે. કેટબરીની પ્રોડેક્ટની વાત કરીએ તો બોર્નવિટા હવે રૂ. 26.69નું મળશે તે પહેલા 30 રૂપિયાનું મળતું, રૂ. 10વાળુ ઓરિયો બિસ્કીટ રૂ. 8.90માં મળશે, રૂ. 20ની ફાઈવસ્ટાર રૂ. 17.80માં મળશે
સરકારે ભાવ ઘટાડવા કહ્યું છે પરંતુ પેકેટ્ડ વસ્તુઓમાં વજન તો એનું એ જ છે. કાંતો મેન્યુફેક્ચરરે વજન વધારવું પડે અથવા તો ઓછું કરી રાઉન્ડ ફીગર ગ્રાહકો પાસેથી વસૂલી શકે. હવે 1.77 પૈસાના સેશેમાં કેટલું શેમ્પુ ઉમેરાય તો તે 2 રૂપિયાનું થાય અને ગ્રાહકો ક્યા ચેક કરવા જશે કે ખરેખર વધારે શેમ્પુ છે કે નહીં. આથી આ બધા સવાલો ઊભા જ રહ્યા છે.
આ પણ વાંચો : મથકો પાછળ સરસવમાં રૂ. 15ની નરમાઈ, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ
આ અંગે જાણીતી કંપનીના સૂત્રોએ મીડિયા સાથે કરેલી વાતચીત અનુસાર આ શરૂઆતી તબક્કો છે એટલે થોડી મુશ્કેલો આવશે. ગ્રાહકો યુપીઆઈથી ચૂકવણી કરી શકે છે. બિસ્કિટ કે વેફરનું મોટું પેકેટ ખરીદવાથી આવી સમસ્યા નહીં આવે પણ નાની વસ્તુઓમાં સમસ્યા ઉદ્ભવી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે મેન્યુફેક્ચરરે સરકાર પાસેથી ભાવ ન ઘટાડતા જે તે વસ્તુઓનું વજન વધારવા અંગેની અનુમતિ માગી છે અને સરકાર વહેલી તકે આ અંગેનો નિર્ણય કરશે.
સરકારની ઈચ્છા છે કે ગ્રાહકોને ફાયદો મળે, કંપનીઓ પણ આ ફાયદો આપવા બંધાયેલી છે, પરંતુ વ્યાવહારિક રીતે જે સમસ્યાઓ નડી રહી છે તેનું સોલ્યુશન લાવવું જરૂરી છે. જો આમ ન થાય તો પછી ગ્રાહકોને ભાગે તો ખાસ કઈ નહીં આવે, કંપનીઓ થઈ જશે માલામાલ.