હૂતી બળવાખોરોનો અમેરિકન યુદ્ધજહાજ પર મિસાઈલ હુમલો
જેરુસલેમ : યમનના હૂતી બળવાખોરોએ શુક્રવારે એડન અખાતમાં રક્ષણ કરતા અમેરિકન યુદ્ધજહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો અને અમેરિકાએે આ મિસાઈલ તોડી પાડી હતી. તદુપરાંત હૂતીના બળવાખોરોએ દરિયાઈ પરિવહન પરના તેના હુમલા ચાલુ રાખીને બ્રિટનના જહાજ પર સફળ મિસાઈલ હુમલો કર્યો હતો. અમેરિકન યુદ્ધજહાજ ડિસ્ટ્રોયર યુએસએસ કાર્ની પરનો હુમલો મધ્ય પૂર્વમાં મોટી અથડામણની પરાકાષ્ઠા બતાડે છે અને દાયકાઓમાં પહેલી વાર અમેરિકન નૌકાદળ આવી લડાઈનો સામનો કરી રહ્યું છે. હૂતી મિસાઈલને લીધે એક વાણિજય જહાજમાં આગ લાગી હતી.
સ્થાનિક સમય પ્રમાણે અમેરિકાના દળોએ રાતા સમુદ્રમાં ત્રાટકવાનું લક્ષ્ય ધરાવતી અને હુમલો કરવાની તૈયારીમાં રહેલી હૂતીની જહાજવિરોધી મિસાઈલ પર હુમલો કર્યો હતો એવી માહિતી અમેરિકા લશ્કરી સેન્ટ્રલ કમાન્ડે આપી હતી. હૂતીની અલ-મસિરા સેટેલાઈટ ન્યૂઝ ચેનલે કહ્યું હતું કે બંદર હોદૈદા નજીક અમેરિકાનો હુમલો થયો હતો, પરંતુ ચેનલે થયેલા નુકસાન વિશે કશું કહ્યું નહોતું.
કાર્ની હુમલો બતાડે છે કે હૂતી બળવાખોરોએ ઑક્ટોબરમાં રાતા સમુદ્રમાં જહાજો પર હુમલા શરૂ કર્યા ત્યાર બાદ આ વખતે પ્રથમ વાર અમેરિકાના યુદ્ધજહાજ પર સીધો હુમલો કર્યો છે એવી માહિતી અમેરિકાના અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું. અધિકારીને માધ્યમોને માહિતી આપવાની સત્તા ન અપાઈ હોવાથી તેણે નામ ન જણાવવાની શરતે માહિતી આપી હતી.
ગયા શુક્રવારે બ્રિટન લશ્કરના મેરિટાઈમ ઓપરેશન્સે કબૂલાત કરી હતી કે એડન ગલ્ફમાં એક મિસાઈલે જહાજને લક્ષ્ય બનાવ્યું હતું અને આ જહાજમાં આગ લાગી હતી. હૂતીના લશ્કરી પ્રવકતા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ કાર્ની હુમલો થયો હોવાને સમર્થન આપ્યું નહોતું, પરંતુ એવી કબૂલાત કરી હતી કે એક વાણિજય જહાજ પર મિસાઈલ હુમલો થતાં એમાં આગ લાગી હતી. આ પ્રવકતાએ આ જહાજને માર્શલ આયલૅન્ડની ધજાવાળા ટેન્કર મર્લિન લુઆન્ડા તરીકે ઓળખ્યું હતું. (એજન્સી)