નેશનલ

ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી: વડા પ્રધાન

વિકાસ: ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમના લાભાર્થીઓને શનિવારે ઓનલાઇન (ડિજિટલી) સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જ્યારે માપદંડોની કામગીરી પૂર્ણ થાય છે, ત્યારે દેશ તેને ‘મોદી કી ગેરંટી’ કહે છે, જેનો અર્થ થાય છે ગેરન્ટીની પૂર્તિની બાંયધરી, જેમની પાસે કોઈ ગેરંટી નથી, તેમના માટે મોદી ગેરંટી ધરાવે છે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા ૧.૩ લાખથી વધુ મકાનોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના દરેક ભાગના લોકો ગુજરાતની વિકાસયાત્રા સાથે જોડાયેલાં છે. ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે.

વડા પ્રધાને આજના કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી હતી, જેમાં રાજ્યમાં ૧૮૦થી વધારે સ્થળોએ આટલા બધા લોકો એકઠા થયા હતા.

લોકોને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા તેમણે કહ્યું હતું કે, અંબાજીમાં વિકાસના પ્રયાસોથી યાત્રાળુઓની સંખ્યામાં મોટું પ્રોત્સાહન મળશે. અમદાવાદથી આબુ રોડ સુધીની બ્રોડગેજ લાઈન જે બ્રિટિશકાળથી જ પેન્ડિંગ હતી તેનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે.

પોતાના વતન વડનગર વિશે વાત કરતા વડા પ્રધાને તાજેતરમાં મળી આવેલી ૩,૦૦૦ વર્ષ જૂની પ્રાચીન કલાકૃતિઓનો ઉલ્લેખ કર્યો હતો, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. તેમણે હાટકેશ્ર્વર, અંબાજી, પાટણ અને તારંગાજી જેવાં સ્થળોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત ધીમે ધીમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે.
વડા પ્રધાને કહ્યું હતું કે, “આજનો સમય ઇતિહાસ રચવાનો છે. આ સમયગાળો સ્વદેશી ચળવળ, ભારત છોડો આંદોલન અને દાંડી કૂચ જેવો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં ૯ લાખથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. પીએમ આવાસ – ગ્રામીણ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ૫ લાખથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલા ૧૧૦૦ મકાનોનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ કહ્યું હતું કે, ગરીબોનાં ઘરો માટે હસ્તાંતરિત થતાં નાણાં હવે ૨.૨૫ લાખથી વધારે થઈ ગયાં છે અને વચેટિયાઓને દૂર કરીને તેમનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં આવે છે. ‘ગરીબ’માં દરેક સમુદાયનો સમાવેશ થાય છે. યોજનાઓનો લાભ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક સુધી પહોંચી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં પહેલેથી જ ૧ કરોડ લખપતિ દીદીઓ વસે છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાઓ સામેલ છે. તેમણે આગામી થોડાં વર્ષોમાં ૩ કરોડ લખપતિ દીદીઓનું સર્જન કરવાનાં સરકારના પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો. ગુજરાતને વેપારી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે અને તેની વિકાસ યાત્રાને ઔદ્યોગિક વિકાસ માટે નવું બળ મળે છે એ બાબત પર ભાર મૂકીને વડા પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે અભૂતપૂર્વ તકો મળી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાને આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના ૧૧૫ ગ્રામીણ મતવિસ્તાર અને ૬૭ શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

ગુજરાતમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૧ લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ૬૫,૦૦૦થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button