ગૃહ પ્રધાન અમિત શાહના ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સની સંખ્યા એક કરોડને પાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ૧૦ મિલિયન (એક કરોડ)ને વટાવી ગઈ છે. ત્રણ કાયદાઓ સહિત કેટલાક સીમાચિહ્ન વિધેયકો સંસદમાં પસાર થયા પછી તેમનાં ફોલોઅર્સની સંખ્યામાં ભારે વધારો થયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
શાહના એકસ પર ૩૪.૧ મિલિયનથી વધુ, ઈન્સ્ટાગ્રામ પર ૧૦.૭ મિલિયન અને ફેસબુક પર ૧૫ મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકારણી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ફેસબુક પર ૬.૮ મિલિયન, ઇન્સ્ટાગ્રામ પર ૫.૧ મિલિયન અને એક્સ પર ૨૪.૭ મિલિયન ફોલોઅર્સ છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં ભાજપના પ્રમુખ બન્યા બાદ શાહના ફોલોઅર્સની સંખ્યામાં નિરંતર વધારો જોવા મળ્યો છે.
શાહ ૨૦૧૯માં ગૃહ અને સહકાર પ્રધાન તરીકે મોદી કેબિનેટમાં જોડાયા હતા અને કલમ ૩૭૦ નાબૂદ કરવા સહિત સરકારના કેટલાક સૌથી મુખ્ય અને વૈચારિક પગલાઓ સાથે સંકળાયેલા છે.