આ તારીખ સુધીમાં નકસલવાદ સામાપ્ત થઇ જશે, અમિત શાહે નકસલવાદીઓને ચેતવણી આપી
નવી દિલ્હી: છત્તીસગઢ રાજ્ય વર્ષોથી નકસલવાદની સમસ્યા(Naxalism થી પીડાઈ રહ્યું છે, કેન્દ્ર સરકારે અનેક વખત નકસલવાદનાં ખાતમાની તૈયારી કરી છે. એવામાં આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) તેમના નિવાસસ્થાનમાં છત્તીસગઢમાં થયેલા નક્સલવાદી હુમલાના 55 પીડિતોને સંબોધિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે 31 માર્ચ, 2026 સુધીમાં માઓવાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નક્સલવાદીઓને હિંસા છોડી દેવા, શસ્ત્રો નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની મારી અપીલને સ્વીકારશે નહીં, તો અમે ટૂંક સમયમાં તેમની સામે મોટા પાયે ઓપરેશન શરૂ કરીશું.”
અમિત શાહે કહ્યું કે, “અમે નક્સલવાદને ખતમ કરી દેશું. હું અપીલ કરું છું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે, તેમના હથિયાર છોડી દે. પૂર્વોત્તર અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તમારું પણ સ્વાગત છે પરંતુ જો એવું નહીં થાય તો અમે તેની વિરુદ્ધ અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળ પણ થઈશું…”
તેમણે એમ પણ કહ્યું હતું કે 31 માર્ચ, 2026 સુધીમાં માઓવાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી નક્સલવાદી હિંસા અને વિચારધારાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યને પાર પાડવા માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સુરક્ષા દળોએ માઓવાદીઓ સામેની તેમની કામગીરીમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે અને સમસ્યા હવે છત્તીસગઢના માત્ર ચાર જિલ્લાઓ સુધી મર્યાદિત રહી છે.
તેમણે કહ્યું કે માઓવાદીઓએ એક સમયે પશુપતિનાથ (નેપાળ) થી તિરુપતિ (આંધ્રપ્રદેશ) સુધી કોરિડોર બનાવવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ મોદી સરકારે તેને નિષ્ફળ બનાવી દીધું. શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં રાજ્ય સરકાર સાથે મળીને છત્તીસગઢમાં નક્સલી હિંસાથી પ્રભાવિત લોકો માટે કલ્યાણ યોજના તૈયાર કરશે.
તેમણે નક્સલી હુમલાના પીડિતોને કહ્યું કે, “જોબ, હેલ્થકેર અને અન્ય ક્ષેત્રોમાં કલ્યાણકારી પગલાં દ્વારા અમે તમને દરેક શક્ય રીતે મદદ કરીશું.”
Also Read –