Chhattisgarh: સુકમામાં સુરક્ષા દળોના ઑપરેશન મામલે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ કે…

નવી દિલ્હી : દેશમાં નક્સલવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં છત્તીસગઢમાં(Chattisgarh) સુરક્ષા દળો નકસલ નાબૂદી માટે સતત અભિયાન ચલાવી રહી છે. જેમાં છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમા સુરક્ષા દળોને સફળતા મળી છે. સુકમા જિલ્લાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરાલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો સાથે અથડામણ ચાલુ છે.આ દરમિયાન અત્યાર સુધીમાં 16 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. બે સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે અથડામણ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ મામલે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણેક મહિનામાં સુરક્ષાદળોની નક્સલવિરોધી કાર્યવાહી વધી રહી છે અને વારંવાર સર્ચ ઑપરેશન થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સુકમાના જંગલમાં 16 નકસલી ઠાર, બે જવાન ઘાયલ…
અમિત શાહે કહ્યું નકસલવાદનો અંત લાવવા સરકાર કટિબદ્ધ
સુકમામાં થયેલા એન્કાઉન્ટર મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, “નક્સલવાદને વધુ એક ઝટકો ! આપણી સુરક્ષા એજન્સીઓએ સુકમામાં એક ઓપરેશનમાં 16 નક્સલીઓને મારી નાખ્યા છે અને ઓટોમેટિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા માટે કટિબદ્ધ છીએ. હથિયાર રાખનારાઓને મારી અપીલ છે કે પરિવર્તન હથિયારો અને હિંસા દ્વારા ન આવી શકે. પરિવર્તન ફક્ત શાંતિ અને વિકાસ દ્વારા જ આવી શકે છે.
અથડામણ સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણ સુકમા જિલ્લાના કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલીઓની હાજરીની માહિતી બાદ શુક્રવારે સુકમા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
અથડામણ સ્થળ પરથી મોટી માત્રામાં એકે 47,SLR,INSAS રાઈફલ, 303 રાઈફલ, રોકેટ લોન્ચર, BGLલોન્ચર હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. આ અથડામણમા માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે ઘાયલ થયેલા બે ડીઆરજી સૈનિકોની હાલત સ્થિર છે.