નવી દિલ્હીઃ ચીનમાં કોરોના (Coronavirus) પછી ફરી એક વખત હાહાકાર મચ્યો છે. એચએમપીવીથી સંક્રમિત દર્દીથી હૉસ્પિટલો ઉભરાઈ છે. આ વાયરસ ભારતમાં પણ આવી ચુક્યો છે. દેશમાં કુલ સાત જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં એચએમપીવીની એન્ટ્રી બાદ લૉકડાઉન (Lockdown) ફરી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં છે અને લોકોને ફરી લૉકડાઉનનો ડર લાગી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ આ વાયરસની તુલના કોવિડ-19 સાથે કરી રહ્યા છે. 2019-20માં ચીનમાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. ભારતમાં પણ કોવિડ-19 ના કારણે લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. કોવિડનો સૌથી પ્રથમ કેસ નવેમ્બર 2019માં ચીનના વુહાનમાં નોંધાયો હતો.
જે બાદ અન્ય દેશોમાં ફેલાયો હતો અને ભારતમાં જાન્યુઆરી 2020માં કેરળમાં કોવિડ-19 સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આ વખતે પણ એચએમપીવી વાયરસની શરૂઆત ચીનથી થઈ છે અને લોકોને તેનો ડર લાગી રહ્યો છે.
ભારતમાં એચએમપીવીના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર આ બીમારીનો સામનો કરવા સજ્જ છે.
આ પણ વાંચો: ભારતમાં HMPV કેસોની સંખ્યામાં વધી, આ રાજ્યોમાં આટલા દર્દીઓ નોંધાયા
આ લક્ષણો જોવા મળી શકે છે
આ વાયરસમાં સામાન્ય રીતે ઉધરસ, તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. નાના બાળકો, વૃદ્ધો અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સૌથી પહેલા અસર થઈ શકે છે.
ચેપ લાગવાનું વધુ જોખમ કોને?
HMPV નો ચેપ કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે, પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી પહેલા ઝપેટમાં લઈ શકે છે. લગભગ 5-16% કેસમાં ન્યુમોનિયા જેવી તકલીફ થઇ શકે છે. વૃદ્ધ વ્યક્તિઓ પણ વધુ ગંભીર લક્ષણોનો અનુભવ કરી શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ હાલ ગભરાવાનું કોઈ કારણ નથી, ચેપ લાગવાનું વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓએ વાયરસના સંપર્કમાં આવવાથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.
આ વાયરસની કોઇ રસી શોધાઈ નથી
આ વાયરસને ફેલાતો અટકાવવા માટે કોરોના જેવી જ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે. હાલમાં એચએમપીવી સામે રક્ષણ આપવા માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. આ સિવાય એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગથી તેના પર કોઈ અસર થતી નથી.