નવી દિલ્હી: ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસ નોંધતા તંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોની ચિંતામાં વધારો થયો છે. કેસની સંખ્યા સતત વધી રહી છે, અહેવાલો મુજબ દેશમાં અત્યાર સુધીમાં HMPVના 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોમાં HMPV દર્દીઓની પુષ્ટિ થઈ છે. જો કે, કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોવિડ જેવી સ્થિતિ નહીં સર્જાય, સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ રાજ્યોમાં કેસ નોંધાયા:
અહેવાલો અનુસાર ભારતમાં નોંધાયેલા 7 કેસમાંથી કર્ણાટકના બેંગલુરુમાં 2, મહારાષ્ટ્રના નાગપુરમાં 2 અને તમિલનાડુના ચેન્નઈમાં 1 તથા સેલમમાં 1 અને ગુજરાતના અમદાવાદમાં 1 કેસ નોંધાયો હતો.
દર્દીઓની સ્થિતિ:
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ(ICMR) એ બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં બે કેસની પુષ્ટિ કરી છે.
પહેલો કેસ બેંગલુરુની 3 વર્ષની છોકરીનો હતો, જેને તાવ અને શરદી પછી ડિસેમ્બરમાં દાખલ કરવામાં આવી હતી. હવે તે સ્વસ્થ થઈ ગઈ છે અને તેને રજા આપવામાં આવી છે. બીજો કેસ 3 જાન્યુઆરીના રોજ જોવા નોંધાયો હતો, જેમાં 8 મહિનાના બાળકને ચેપ લાગ્યો હતો. નોંધનીય છે કે બંને બાળકો અગાઉ બ્રોન્કોપ્ન્યુમોનિયાથી પીડાતા હતા અને તેઓ વિદેશ પ્રવાસે ગયા ન હતા.
Also read: ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, હાઇ એલર્ટ પર ભારત સરકાર
24 ડિસેમ્બરે રાજસ્થાનના ડુંગરપુરના 2 વર્ષના બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 26 ડિસેમ્બરે HMPVની પુષ્ટિ થઈ હતી. 7 અને 13 વર્ષની ઉંમરના બે બાળકોને 3 જાન્યુઆરીએ નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને આ કેસોની AIIMSમાં ફરી તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. બંને બાળકો સ્વસ્થ છે. તમિલનાડુના આરોગ્ય સચિવ સુપ્રિયા સાહુએ કહ્યું હતું કે રાજ્યમાં 2 સક્રિય કેસ છે. ચેન્નઈ અને સાલેમમાં બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા:
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે કહ્યું કે સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને ચિંતાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે HMPV કોઈ નવો વાયરસ નથી અને દેશમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરસ પેથોજેનમાં વધારો જોવા મળ્યો નથી. વર્ષ 2001માં નેધરલેન્ડમાં પ્રથમ વખત આ વાયરસ જોવા મળ્યો હતો.