હિઝબુત તહરિર ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માંગતો હતો,NIAએ સમગ્ર ષડયંત્રનો ખુલાસો કર્યો
નવી દિલ્હી: આતંકવાદી સંગઠન હિઝબુત તહરિર (HuT) સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ચાર્જશીટ દાખલ કરી છે. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે HuTના સભ્યો મધ્યપ્રદેશમાં ગુપ્ત રીતે લોકોને તેમની સંસ્થામાં ભરતી કરી રહ્યા હતા અને તેમની કેડર બનાવી રહ્યા હતા. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આરોપીઓ HUTની કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત હતા જેનો ઉદ્દેશ્ય હિંસા ફેલાવીને ભારતને શરિયત આધારિત ઇસ્લામિક રાજ્ય બનાવવાનો હતો. NIAએ કુલ 17 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.
તેમાં મોહમ્મદ આલમ, મિસ્બાહ ઉલ હસન, મેહરાજ અલી, ખાલિદ હુસૈન, સૈયદ સામી રિઝવી, યાસિર ખાન, સલમાન અંસારી, સૈયદ દાનિશ અલી, મોહમ્મદ શાહરૂખ, મોહમ્મદ કરીમ, મોહમ્મદ અબ્બાસ અલી, મોહમ્મદ હમીદ, મોહમ્મદ સલીમ, અબ્દુર રહેમાન, શેખ જુનૈદ અને મોહમ્મદ સલમાનનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પકડાઇ ના જાય એટલે એમની તમામ પ્રવૃત્તિઓ એક સંસ્થાના ઓઠા હેઠળ કરવામાં આવતી હતી.
જેમાં શિબિરોનું આયોજન કરીને લોકોને હિંસા માટેની તાલીમ આપવામાં આવતી હતી. તેમજ લોકોને ઉકસાવાવમાં આવતા હતા. આ ઉપરાત જૂથના સિલેક્ટેડ સભ્યોને હથિયાર-શૂટીંગ અને કમાન્ડો જેવી તાલીમ આપવામાં આવે છે. તેમની યોજનાઓ અને વ્યૂહરચનાઓ પોલીસ કર્મચારીઓ પર હુમલાઓ અને વિવિધ સમુદાયોના વ્યક્તિઓને નિશાન બનાવવા સુધી વિસ્તરેલી હતી. તેમનો ઈરાદો ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાર્વભૌમત્વને જોખમમાં નાખવાનો હતો, જેનો સ્પષ્ટ હેતુ લોકોમાં આતંક પેદા કરવાનો હતો. જો કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.