ટ્રાફિકથી તોબાઃ કારચાલકે નદીમાં કર્યું મોટું પરાક્રમ, વીડિયો વાઈરલ
શિમલા: હિમાચલ પ્રદેશના મોટા ભાગના સ્થળો સૌથી લોકપ્રિય છે, જેથી આખું વર્ષ પર્યટકોની અવરજવર રહે છે. મોટા ભાગે નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અહીં મોટા પ્રમાણમાં પર્યટકોની વિશેષ અવરજવર રહે છે, પરિણામે બે દિવસથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. તાજેતરમાં હિમાચલ પ્રદેશનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રસ્તા પર ભયંકર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રાફિકથી બચવા માટે પોતાની કાર નદીમાંથી ચલાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં એક વ્યક્તિએ લાહૌલ ખીણ વિસ્તારમાં ચંદ્રા નદીમાં થાર ચલાવતો જોવા મળ્યો હતો. આ નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. બાકી ઉત્તર ભારતની નદીઓમાં અત્યારે ભરપૂર પાણી હોય છે. જો આ કાર નદીના પાણીમાં વહી જાત તો ડ્રાઇવરના જીવને મોટું જોખમ નિર્માણ થયું હોત. જોકે, વીડિયો વાઇરલ થતાં સ્થાનિકો અને નેટિઝન્સે આ હરકતની ટીકા કરી હતી.
નાતાલની રજામાં હજારોની સંખ્યામાં પર્યટકો હિમાચલના લાહૌલ વિસ્તારમાં હિમવર્ષા જોવા માટે આવે છે. હજારોની સંખ્યામાં પર્યટકો અહીં આવતા લાહૌલથી મનાલી જતાં માર્ગ પર ભારે ટ્રાફિક સર્જાય છે. આ ટ્રાફિકથી બચવા આ વ્યક્તિએ સીધી કારને નદીમાં ઉતારી હતી. એક અધિકારીએ જણાવ્યુ હતું કે છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 55,000 વાહન રોહતાંગ ટનલને પાર કરી હતી. સોશિયલ મીડિયા પર આ વિસ્તારોમાં ભારે ટ્રાફિકના અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે.
આ વિસ્તાર ભારે ટ્રાફિક અને ભીડને નિયંત્રણમાં લાવવા પ્રશાસન માટે પણ મુશ્કેલ બન્યું છે. અહીંના પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા પર્યટકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણી કરવા માટે એક લાખથી વધુ વાહનો આ જગ્યાએ આવી શકે છે. શહેરમાં ભીડને કારણે 60,000 જેટલા વાહન રોડની બાજુએ પાર્કિંગમાં રાખવામા આવતા રસ્તા પાર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી.