જ્ઞાનવાપીનું સત્ય શું છે? હિન્દુ પક્ષ કેમ ફરી સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યો છે

વારાણસી: છેલ્લા ઘણા સમયથી જ્ઞાનવાપી કેસમાં નવા નવા વિવાદો સાંભળવા મળી રહ્યા છે. ત્યારે હવે રિપોર્ટ જાહેર કર્યા બાદ પણ મુસ્લિમ પક્ષે જ્ઞાનવારીમાં નમાઝ અદા કરી હતી. કારણકે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે આ રિપોર્ટ અમને માન્ય નથી. ત્યારે જ્ઞાનવાપીના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) રિપોર્ટ આવ્યા બાદ હિન્દુ પક્ષ હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારીઓ કરી રહ્યો છે. કારણકે ASIના રિપોર્ટ બાદ પણ કેટલાક મુદ્દાઓ હજુ પણ વણ ઉકલ્યા જ છે અને તેમાં પણ મુસ્લિમ પક્ષ જ્ઞાનવાપીની જગ્યા ખાલી કરવા તૈયાર નથી. આથી હવે આ અંગે હિન્દુ પક્ષ તરફથી આજે અરજી દાખલ કરવામાં આવી શકે છે.
હિંદુ પક્ષની દલીલ છે કે જ્ઞાનવાપી મસ્જિદની પૂર્વ દિવાલમાં જૂની દિવાલની ઉપર જ ચણતર કરીને પૂરી દેવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ અત્યાર સુધી કોઈપણ પ્રકારનું ખોદકામ કર્યા વગર સર્વે કરવામાં આવ્યો છે. તેથી બંધ દિવાલની પાછળ શું છે તે જાણી શકાયું નથી.
હિંદુ પક્ષની દલીલ છે કે જ્ઞાનવાપીના વજુખાનામાં શિવલિંગ જેવી આકૃતિ અંગેની વાસ્તવિકતા હજુ બહાર આવી નથી. કારણકે આ અંગે કોઈ સર્વે કરવામાં આવ્યો નહોતો. હવે હિન્દુ પક્ષ ASI રિપોર્ટને ટાંકીને વજુખાનાના સર્વેની તેમજ દિવાલ તોડીને તપાસ કરવાની માંગ કરી શકે છે.
નોંધનીય છે કે જ્ઞાનવાપી સંકુલના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)નો સર્વે રિપોર્ટ બુધવારે કેસના પક્ષકારો દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 32 સ્થળોએ મંદિર સંબંધિત પુરાવા મળ્યા હતા. પક્ષકારો દ્વારા આપવામાં આવેલ સર્વે રિપોર્ટ 839 પાનાનો છે.