‘હિન્દુ એક મોટું જોખમ છે…’ સ્વામી પ્રસાદ મોર્યનું ફરી વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હી: સમાજવાદી પક્ષના નેતા સ્વામી પ્રસાદ મોર્યએ ફરી એકવાર હિન્દુ ધર્મને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીમાં કહ્યું કે હિન્દુ એક મોટું જોખમ છે. એમ પણ 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હિન્દુ જેવો કોઇ ધર્મ નથી. આ તો જીવન જીવવાની એક શૈલી છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ બે વાર આવું કહી ચૂક્યા છે કે હિન્દુ નામનો કોઇ ધર્મ નથી. પણ એ તો જીવન જીવવાની એક કલા છે. વડા પ્રધાન મોદીએ પણ કહ્યું છે કે, હિન્દુ ધર્મ કોઇ ધર્મ નથી. જ્યારે આ લોકો આવું કોઇ નિવેદન કરે છે ત્યારે લોકોની ભાવનાઓ દુભાતી નથી? પણ જો આ જ વાત સ્વામી પ્રસાદ મોર્ય કહી દે તો આખા દેશમાં ભૂકંપ આવી જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એ પહેલીવાર નથી જ્યારે સ્વામી પ્રસાદ મોર્ય એ આવું કોઇ વિવાદીત નિવેદન કર્યું હોય. અગાઉ પણ તેઓ હિન્દુ ધર્મ પર વિવાદીત નિવેદનો કરી ચૂક્યા છે. મા લક્ષ્મી અને રામચરિતમાનસ પર તેમણે કરેલા નિવેદનોને કારણે પણ મોર્ય ખૂબ ચર્ચામાં રહ્યા હતાં. પાછલા મહિનામાં જ સપાના નેતા સ્વામી પ્રસાદ મોર્યએ માતા લક્ષ્મી પર વિવાદતી ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, દુનિયામાં ક્યાંય ચાર હાથવાળા બાળકો પેદા નથી થતાં તો માતા લક્ષ્મી કેવી રીતે થઇ?
અગાઉ હરદોઇમાં પણ હિન્દુ રાષ્ટ્રની તરફેણ કરનારા અને સવર્ણ લોકો મોર્યના નિશાના પર હતાં. કોઇનું પણ નામ લીધા વીના મોર્યએ કહ્યું હતું કે, તમે જેને હિન્દુ રાષ્ટ્ર કહી રહ્યાં છો એ ભારત રાષ્ટ્ર શાપિત છે. આ ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર નહતું, ન છે અને ન રહેશે. હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા દેશવિરોધી છે.
રામચરિત માનસ પર બિહારના એક પ્રધાનની વિવાદાસ્પજ ટીપ્પણી બાદ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યએ પણ એક વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. મોર્યએ કહ્યું કે, રામચરિતમાનસમાં દલીત અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તુલસીદાસે આ ગ્રંથ પોતાની ખૂશી માટે જ લખ્યો હતો. કોરોડો લોકો આ ગ્રંથ નથી વાંચતા. આ ગ્રંથને બકવાસ ગણાવી મોર્યે કહ્યું કે, સરકારે તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
સપાના આ નેતાએ એક ન્યુઝ ચેલન સાથે વાત કરતાં રામચરિતમાનસના એક અંશ વિશે વાત કરતાં મોર્યેએ કહ્યું કે, બ્રાહ્મણ ભલે દુરાચારી હોય, અભણ હોય પણ છતાં એ બ્રાહ્મણ છે. એને પૂજનીય ગણાવવામાં આવ્યો છે. પણ શુદ્ર કેટલો પણ ગ્નાની હોય, પણ એનો સન્માન ના કરો. મોર્યએ પ્રશ્ન ઊભો કર્યો હતો કે શું આ જ ધર્મ છે? જે ધર્મ આપડો સત્યાનાશ કરતો હોય એનો સત્યાનાશ થાય.