ટ્રમ્પના હુમલા પર હિમંત બિસ્વા સર્માએ કહ્યું “જમણેરી નેતાઓ હવે કટ્ટરપંથી ડાબેરીઓના નિશાને”
નવી દિલ્હી: આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સર્મા પોતાના મંતવ્યોના લીધે લગભગ કાયમ ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે. આજે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલ હુમલાને લઈને પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે વિશ્વભરના જમણેરી નેતાઓ હવે કટ્ટરપંથી ડાબેરીઓના સક્રિય નિશાન પર છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સર્માએ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલ ગોળીબારને લઈને તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને નિવેદન આપતા ડોનાલ્ડ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા કહ્યું કે વિશ્વભરના જમણેરી નેતાઓ હવે કટ્ટરપંથી ડાબેરીઓના સક્રિય નિશાન પર છે. જો કે આ હુમલાઓ ‘રાષ્ટ્ર પ્રથમ’ની વિચારધારાને હરાવી શકશે નહીં. તેના મૂળ ઊંડી આધ્યાત્મિકતામાં અને “જનની, જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપીગરીયસી”ના સનાતન તત્ત્વજ્ઞાનથી પ્રેરિત છે. ડોનાલ્ડ ટ્રમ્પને મારી શુભેચ્છાઓ કારણ કે તેઓ મજબૂત ઊભા છે.
પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ હુમલાખોરોએ સુરક્ષા ઘેરો બનાવીને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિને સ્ટેજ પરથી હટાવ્યા હતા. 1981માં રોનાલ્ડ રીગનની હત્યા બાદ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની હત્યાના પ્રયાસની આ પ્રથમ ઘટના છે.
મીડિયા અહેવાલો અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર શૂટર રિપબ્લિકન પાર્ટીનો સમર્થક હોવાની વિગતો સામે આવી છે. FBI દ્વારા હુમલો કરનારની ઓળખ પેન્સિલવેનિયાના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે. તેની પાસે રાઈફલ હતી જેનાથી તેણે ગોળીબાર કર્યો હતો. આ બાદ સિક્રેટ સર્વિસના કર્મચારીએ જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો હતો. આ ઘટના બાદ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર પ્રબંધક દ્વારા તેમની સુરક્ષા વધારાવાની જાહેરાત કરવામાં આવી હતી.