હિમાચલ પ્રદેશના સ્પીકરે ભાજપના ૧૫ સભ્યને સસ્પેન્ડ કર્યા
સિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ બુધવારે વિપક્ષી નેતા જય રામ ઠાકુર સહિત ભાજપના ૧૫ સભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી મોકૂફ રાખી હતી.
ભાજપના વિધાનસભ્યોએ મંગળવારે પઠાનિયાની ઓફિસની બહાર ઉભેલા માર્શલ સાથે ગેરવર્તન કર્યું અને ગૃહની કાર્યવાહીમાં ધમાલ કરી હોવાનું જણાવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સસ્પેન્ડ કરી નાખવામાં આવેલા ભાજપના વિધાનસભ્યોમાં વિપીન પરમાર, વિનોદ કુમાર, હંસ રાજ, જનક રાજ, બલબીર વર્મા, ત્રિલોક જામવાલ, દીપ રાજ, સુરીન્દર શૌરી, પુરણ ઠાકુર, ઈંદર સિંહ ગાંધી, દિલીપ ઠાકુર, રણધીર શર્મા, લોકેન્દર કુમાર અને રણવીર સિંહનો સમાવેશ થાય છે.
બીજી તરફ વિપક્ષી નેતા જય રામ ઠાકુરે કહ્યું હતું કે અમને એવી શંકા હતી જ કે સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયા ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરી નાખશે જેથી બજેટને સરળતાથી વિધાનસભામાં મંજૂર કરાવી શકાય.
રાજ્યસભાની ચૂંટણીને કારણે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યની સુખવિંદર સિંહ સુખુની સરકાર લઘુમતીમાં છે. તેમણે સુખુ સરકારનું રાજીનામું પણ માગ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્ય સભાની ચૂંટણી થઈ એમાં ભાજપના હર્ષ મહાજને કૉંંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા તેને પગલે અત્યારે હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ ઘેરાયું છે. કૉંગ્રેસ પાસે ૪૦ વિધાનસભ્યો અને ભાજપ પાસે ફક્ત ૨૫ વિધાનસભ્યો હોવા છતાં ચૂંટણીમાં બંને ઉમેદવારોને સમાન એટલે કે ૩૪-૩૪ મત મળ્યા હતા અને તેના પરથી કૉંગ્રેસના ઓછામાં ઓછા ૬ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાના સંકેત મળી રહ્યા છે. (પીટીઆઈ)