હિમાચલના સસ્પેન્ડ થયેલા વિધાનસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, કોર્ટે કહ્યું કે…
નવી દિલ્હી: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થયા બાદ હિમાચલ પ્રદેશ(Himachal Pradesh) વિધાનસભામાં કોંગ્રેસ(Congress)ના 6 બળવાખોર વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ 6 વિધાનસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, આજે યોજાનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 18 માર્ચે થશે.
સસ્પેન્ડ થયેલા વિધાન સભ્યોમાં રાજેન્દ્ર રાણા, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા, રવિ ઠાકુર, ઈન્દર દત્ત લખનપાલ અને દેવેન્દ્ર કુમાર સુપ્રીમ કોર્ટે પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની બેચે વિધાનસભ્યોને પૂછ્યું કે આ કેસ માટે તમે રાજ્યની હાઈકોર્ટમાં અરજી કેમ ન કરી, તેમાં મૂળભૂત અધિકારના હનન જેવું શું છે, કે તમે સીધા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. બાદમાં બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી અને આગામી તારીખ આપી હતી. આગામી સુનાવણી માટે 18 માર્ચની તારીખ નક્કી કરી છે.
હિમાચલ પ્રદેશની વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાના નિર્ણય બાદ કોંગ્રેસના છ વિધાનસભ્યોની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. જેના માટે કારણ આપવામાં આવ્યું કે તેઓએ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા વ્હીપનું પાલન કર્યું ન હતું. આ તમામ વિધાનસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ વિધાન સભ્યોએ સ્પીકરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. પરંતુ આજે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.