Himachal Pradeshના છ બાગી સભ્યોની હવે ખેર નથી, સભ્યપદ અધ્ધરતાલ
સિમલાઃ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો પર સભ્યપદ ગુમાવવાની તલવાર લટકી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી લાઇનની બહાર મતદાન કરવા પર તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. હિમાચલ પ્રદેશ સરકારના સંસદીય કાર્ય પ્રધાન હર્ષવર્ધન ચૌહાણે કોંગ્રેસના તમામ છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયા આજે આ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે.
કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. વારંવાર થતી રાજકીય ઉથલપાથલ અને હોર્સ ટ્રેડિંગને રોકવા માટે વર્ષ 1985માં રાજીવ ગાંધીની સરકારે 92મો બંધારણીય સુધારો કરીને પક્ષપલટા વિરોધી કાયદો પસાર કર્યો હતો. આ કાયદાનો હેતુ નેતાઓને રાજકીય લાભ માટે પક્ષ બદલવાથી રોકવાનો હતો. આ કાયદો દસમી અનુસૂચિમાં મૂકવામાં આવ્યો છે.
હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર કુમાર ભુટ્ટો અને રવિ ઠાકુરે પાર્ટી લાઇનથી ભટકીને ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં મતદાન કર્યું હતું. બજેટ પસાર કરવા માટે બુધવારે જારી કરાયેલા વ્હીપનું પણ ધારાસભ્યોએ પાલન કર્યું ન હતું. આ પછી આ ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ વિધાયક દળના ચીફ વ્હીપ અને સંસદીય બાબતોના મંત્રી હર્ષવર્ધન ચૌહાણે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મામલામાં તમામ છ બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ અરજી દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ અંગેની સુનાવણી વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાની ચેમ્બરમાં ચાલી રહી છે