હિમાચલના મંડીમાં જળપ્રલય, ભૂસ્ખલન થતા એકનું મોત બે ગુમ | મુંબઈ સમાચાર
નેશનલ

હિમાચલના મંડીમાં જળપ્રલય, ભૂસ્ખલન થતા એકનું મોત બે ગુમ

મંડી : દેશના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદથી તબાહી હજુ અટકી નથી. જેમાં હિમાચલના મંડીમાં ભારે વરસાદ બાદ જળપ્રલય જોવા મળી રહ્યો છે. ધરમપુર બસ સ્ટેન્ડ પાણીમાં જળમગ્ન થઈ ગયું છે. જયારે મંડીની બોઈ પંચાયતમાં ગત રાત્રે ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બાકીના બે લોકો હજુ પણ ગુમ છે જેમની શોધ ચાલુ છે.

રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ બન્યું

મંડીની બોઈ પંચાયત વિસ્તારમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના ભયને કારણે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ બન્યું છે. તેમજ રસ્તો બંધ હોવાને કારણે બચાવ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો કાટમાળ દૂર કરીને ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ધરમપુરમાં પણ મોટાભાગના વિસ્તાર જળમગ્ન

જયારે ધરમપુરમાં પણ મોટાભાગના વિસ્તાર જળમગ્ન છે. જેમાં બસ સ્ટેન્ડમાં બસો ડૂબી ગઈ છે. તેમજ દુકાનો પણ પાણીમાં ડૂબી છે. આ ઉપરાંત હિમાચલમાં કુલ્લુની વ્યાસ નદીમાં પણ પૂર આવ્યા છે. તેમજ અનેક નદીઓ અને નાળામાં પણ પાણીની આવક વધી છે. તેમજ અનેક વિસ્તારોમાં રોડ પણ પાણી ભરાયા છે.

આજે છ જીલ્લામાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે આજે રાજ્યના છ જિલ્લાઓ બિલાસપુર, કાંગડા, મંડી, શિમલા, સોલન અને સિરમૌરના કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સોમવાર સાંજ સુધી રાજ્યમાં 490 રસ્તાઓ, 352 વીજળી ટ્રાન્સફોર્મર અને 163 પીવાના પાણીની યોજનાઓને અસર થઈ હતી. રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે સવાર અને સાંજે ઠંડીમાં પણ વધારો થયો છે.

આપણ વાંચો:  દહેરાદૂનમાં મેઘ તાંડવ: વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ અને બે લાપતા…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button