શિમલા: રાજ્યના કર્મચારીઓને સમયસર પગાર આપવામાં નિષ્ફળ નીવડેલી હિમાચલ પ્રદેશની(Himachal) સરકારને હાઇકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. જેમાં હિમાચલ સરકાર સેલી હાઈડ્રો કંપનીને 64 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જતાં હાઇકોર્ટે દિલ્હીના મંડી હાઉસમાં સ્થિત હિમાચલ ભવનને જપ્ત(કુર્ક) કરવાનો આદેશ આપ્યો છે. તેમજ કંપનીને 64 કરોડ રૂપિયા 7 ટકા વ્યાજ સાથે પરત કરવાનો પણ આદેશ આપ્યો છે. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ અજય મોહન ગોયલની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો છે. આ કેસમાં કંપનીએ માંગણી કરી હતી કે બાકી લેણાંની વસૂલી માટે હાઇકોર્ટ દિલ્હીના હિમાચલ ભવનની હરાજીની મંજૂરી આપે.
મુખ્ય સચિવને તપાસ માટે આદેશ આપ્યા
જસ્ટિસ અજય મોહન ગોયલે સેલી હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર કંપનીએ ઉર્જા વિભાગ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અમલની અરજીની સુનાવણીમાં આ આદેશો આપ્યા હતા. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે રાજ્યના એમપીપી અને પાવર વિભાગના મુખ્ય સચિવને પણ તપાસ કરવા કહ્યું છે કે શું કોઈ ચોક્કસ અધિકારી અથવા અધિકારીઓની ભૂલને કારણે 7 ટકા વ્યાજ સાથે 64 કરોડ રૂપિયાની રકમ કોર્ટમાં જમા કરાવવામાં નથી આવી.
આગામી સુનાવણી 6 ડિસેમ્બરે
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે 15 દિવસમાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે. આગામી તારીખે તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 6 ડિસેમ્બરે થવાની છે. કોર્ટે કહ્યું છે કે આ સમગ્ર મામલાની તપાસ કરવી જરૂરી છે કારણ કે ત્યારબાદ દોષિત અધિકારી પાસેથી વ્યક્તિગત રીતે વ્યાજ વસૂલવાના આદેશ આપવામાં આવશે.
સરકાર કંપનીને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં હિમાચલ સરકારે કંપનીને 320 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ ફાળવ્યો હતો. આ પ્રોજેક્ટ લાહૌલ સ્પીતિમાં સ્થાપિત થવાનો હતો. ત્યારે સરકારે પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે રોડ બનાવવાનું કામ બીઆરઓને આપ્યું હતું. કરાર મુજબ સરકારે કંપનીને જ પાયાની સુવિધાઓ પૂરી પાડવાની હતી જેથી કંપની સમયસર પ્રોજેક્ટનું કામ શરૂ કરી શકે. પરંતુ તેમ થયું નહીં.
કંપનીએ વર્ષ 2017માં રિટ પિટિશન દાખલ કરી હતી
કંપનીએ વર્ષ 2017માં રિટ પિટિશન દાખલ કરી હતી.કંપનીએ કોર્ટને જણાવ્યું હતું કે સુવિધાઓના અભાવને કારણે કંપનીએ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો હતો અને પ્રોજેક્ટ સરકારને પાછો આપવામાં આવ્યો હતો. આના પર સરકારે અપફ્રન્ટ પ્રીમિયમ જપ્ત કર્યું. સુનાવણી દરમિયાન જ કોર્ટે રૂપિયા 64 કરોડના અપફ્રન્ટ પ્રીમિયમની ચુકવણી માટે આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારે કોર્ટના નિર્ણય સામે એલપીએ પણ દાખલ કરવાની તૈયારી કરી છે.