હિમાચલની ‘સરકાર’ સંકટમાંઃ હવે રાજીનામું આપનાર પ્રધાન રડી પડ્યા અને પિતા માટે કહ્યું…
શિમલાઃ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે, જેમાં આજે સવારે પૂર્વ મુખ્ય પ્રધાનના દીકરા અને કેબિનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપીને કોંગ્રેસને ચોંકાવી નાખી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને વિક્રમાદિત્ય સિંહે સૌથી મોટું નિવેદન આપીને રડી પડ્યા હતા.
વિક્રમાદિત્ય સિંહે વીરભદ્ર સિંહને લઈને છેલ્લા મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર દ્વારા લખવામાં આવેલી પંક્તિઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે “કિતના હૈ બદનસીબ જફર દફન કે લિએ, દો ગજ જમીન ભી ન મિલી કુ-એ-યાર (પ્યાર કી ગલી) મેં.”
બુધવારે રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખ્ખુ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું હતું કે રાજ્ય સરકારવતીથી મારા દિવંગત પિતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંહની મૂર્તિ લગાવવા માટે જમીન આપી નહોતી. એ વખતે વિક્રમાદિત્યે મીડિયા સમક્ષ રડી પડ્યા હતા. વીરભદ્ર સિંહનું અપમાન કરવાનો આરોપ વિક્રમાદિત્ય સિંહે રાજ્ય સરકાર પર મૂક્યો હતો.
વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં 2022માં ચૂંટણી કોંગ્રેસના સૌથી કદાવર નેતા અને છ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વીરભદ્ર સિંહના નામે લડ્યા હતા. એવું કોઈ બેનર કે પોસ્ટર નહોતું કે જેમાં તેમની તસવીર ના હોય. મતદાનના એક દિવસ પહેલા એક ફૂલપેજની એડમાં એમની તસવીર સાથે મેસેજ હતો. મને યાદ રાખો, મારા નામે વોટ કરો, પરંતુ પછી રાજ્ય સરકાર તેમને ભૂલી ગઈ.
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં છ કોંગ્રેસના વિધાનસભ્યએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વોટ આપ્યા હતા. એના પછી અંસતુષ્ટ વિધાનસભ્યોને મનાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતા સક્રિય થયા હતા.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ છ વિધાનસભ્ય સાથે વાતચીત કરવા માટે નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડીકે શિવકુમાર શર્માની નિયુક્તિ કરી છે. હાલમાં છ વિધાનસભ્ય હિમાચલના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહની કાર્યશૈલીથી નારાજ છે તથા તેમને હટાવવાની માગણી કરી છે.