Himachal Fire Breaks: સોલનમાં કોસ્મેટિક ફેક્ટરીમાં ભીષણ આગ, હજુ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી…..
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દીના ઝાડમાજરીમાં આવેલી કોસ્મેટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં 2 ફેબ્રુઆરીના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 31 લોકો દાઝી ગયા હતા જ્યારે નવ લોકો હજુ સુધી મળ્યા નથી. અંદર ફસાયેલા મજૂરોને બચાવવા માટે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જો કે હજુ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી કારણકે કોસ્મેટિક ફેક્ટરી હોવાના કારણે અહી આલ્કોહોલ પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની માહિતી મળતા જ આરોગ્ય પ્રધાન ધનીરામ શાંડિલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી લીધી હતી.
ધનીરામ શાંડિલે જિલ્લા મેજિસ્ટ્રેટ સોલન મનમોહન શર્મા, પોલીસ અને એનડીઆરએફ અધિકારીઓ પાસેથી અકસ્માતની સંપૂર્ણ માહિતી લીધી હતી તેમજ રાહત અને બચાવ કામગીરી અંગે દિશા-નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત આ ઘટનામાં ઘાયલ થયેલા લોકની તબિયત પૂછવા માટે આરોગ્ય પ્રધાન હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન ધનીરામ શાંડિલે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળતા જ તેઓ જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા અને ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ આ ઘટના કેવી રીતે બની તે તપાસ કરવા માટેના આદેશ મુખ્ય પ્રધાને સૂચના આપી હતી. જે પણ દોષિતો હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જો કે ફાયર બ્રિગેડ ઓફિસર સંજીવે જણાવ્યું હતું કે આગ ઓલવવાનું કામ હજુ પણ ચાલુ છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢના ફાયર બ્રિગેડના વાહનો તેમજ નજીકના ઉદ્યોગોના અન્ય વાહનો સહિત 22 થી વધુ વાહનો આગ ઓલવવાના કામમાં લાગેલા છે.
નોંધનીય છે કે આ એક પરફ્યુમની ફેક્ટરી હતી જેથી કામ દરમિયાન ફેક્ટરીમાં કેમિકલ અને ઈથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને તેના કારણે જ આગ ખૂબજ ઝડપથી ફેલાઈ ગઈ હતી. અને હજુ પણ આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે. જો કે હાલમાં આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને એસડીઆરએફ કામ કરી રહી છે.