હિલાલ અહેમદ: ધર્મ પૂછીને ગોળી મારનારાના ગાલ પર તમતમતો તમાચો છે આ રાફેલ પાયલટ...

હિલાલ અહેમદ: ધર્મ પૂછીને ગોળી મારનારાના ગાલ પર તમતમતો તમાચો છે આ રાફેલ પાયલટ…

પહેલગામમાં ફરવા આવેલા પ્રવાસીઓને ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારનારા ત્રાસવાદીઓના અડ્ડાનો ખાતમો બોલાવવા ભારતે ઑપરેશન સિંદૂર હાથ ધર્યુ છે અને લાગે છે કે ભારતીય સેના હવે પાકિસ્તાનને જપવા નહીં દે. આ ઑપરેશન સિંદૂરના ઘણા એવા ચહેરા છે જે લોકોની સામે નહીં આવે પણ તેમનું યોગદાન અનન્ય હશે. આવો જ એક ચહેરો એટલે હીલાલ અહેમદ.

ઑપરેશન સિંદૂરની સફળતાની જ્યારે વાત થશે ત્યારે આ બહાદુર સિપાહીને યાદ કરવો જ પડશે. હિલાલ એક કાશ્મીરી મુસ્લિમ છે. આજે આપણા દુશ્મન પર હુમલો કરવા માટે તૈયાર રાફેલ વિમાન… હિલાલ અહેમદ પાંચેય વિમાનોની પાયલોટ ટીમનો કેપ્ટન છે. ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે હિલાલે ફ્રાન્સમાં પાંચેય વિમાનોને તાબામાં લઈ પાંચેય પાઇલટ્સને ટેકઓફ કરવાનો આદેશ આપવાની જવાબદારી હિલાલે લીધી હતી. ઑપરેશન સિંદૂરની બહાર આવેલી વિગતોમાં ભલે પ્રત્યક્ષ રીતે તેનું નામ ન હોય, પણ દુશ્મનો પર ત્રાટકવાની ભારતની તૈયારીનો તેઓ મહત્વનો હિસ્સો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેતા તણાવમાં ભારતની ટેકનોલોજી બેઝ્ડ રણનીતિ અત્યંત મહત્વની છે અને હિલાલ જેવા જાંબાઝો જ પડકારો ઝીલી શકશે.

હિલાલે પોતાની પ્રતિભા, હિંમત અને અપાર દેશભક્તિના બળ પર આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અનંતનાગના વતની અને જમ્મુની નાગરોટા સૈનિક સ્કૂલના ટોપર હિલાલ શરૂઆતમાં વાયુસેનામાં પાઇલટ તરીકે જોડાયા હતા. ધીમે ધીમે, પોતાની પ્રતિભા અને દૃઢ નિશ્ચયના બળ પર, તે ફ્લાઇટ લેફ્ટનન્ટ – વિંગ કમાન્ડર – ગ્રુપ કેપ્ટનના હોદ્દા પર આગળ વધ્યો. 2019 માં એર કોમોડો ના હોદ્દા પર પહોંચ્યો! આજે તે એર વાઇસ માર્શલ છે.

તેમણે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) માંથી સ્નાતક થયા. એટલું જ નહીં, પરંતુ તેમણે અમેરિકાની એર વોર કોલેજમાંથી ડિસ્ટિંકશન સાથે ડિગ્રી પણ મેળવી. LDA માં ‘સ્વોર્ડ ઓફ ઓનર’ જીતનાર તે એકમાત્ર કાશ્મીરી છે.
વાયુસેનામાં ‘હિલી’ તરીકે જાણીતા હિલાલને વાયુસેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ મળ્યા છે. રાફેલ પહેલા મિરાજ-2000, મિગ-21 અને કિરણ વિમાનોમાં 3,000 કલાક અકસ્માત મુક્ત ઉડાન ભરવાનો રેકોર્ડ ધરાવતા હિલાલ અહેમદ જેવા બહાદુર સૈનિકો આપણા ધર્મનિરપેક્ષ ભારતનું ગૌરવછે. વિમાનો કે શસ્ત્રો તો માત્ર સાધનો છે. દુશ્મનો તો આપણા જસ્બા અને જોશથી જ ડરે છે.

જે લોકોએ ધર્મ પૂછીને ગોળી મારી છે તેમના ચહેરા પર હિલાલ અને સોફિયા એક તમાચો છે, જે ગોળી કરતા પણ વધારે અસર કરે છે. ધર્મ પૂછીને મારી તેમણે આપણી ધર્મનિરપેક્ષતાને લલકારી છે અને દેશમાં બે કોમ વચ્ચે ખટરાગ પેદા કરવાની કોશિશ કરી છે. વિનય નરેવાલની પત્ની હિમાંશીએ લગ્નના છ દિવસ બાદ પતિને ખોયા બાદ પણ કાશ્મીરીઓ અને મુસ્લિમો તરફે નફરત ન રાખવા અપીલ કરી હતી, કારણ કે દેશમાં હિલાલ જેવા લાખો લોકો છે જેમની માટે જાતિ, ધર્મ, ભાષા બધું જ ભારતની અખંડિતતા અને સુરક્ષા સામે કંઈ જ નથી. તેઓ માત્ર ભારતીય છે. આ તમામની બહાદુરી અને દેશદાઝને સલામ…

Back to top button