AIUDF ચીફ બદરુદ્દીન અજમલે ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન કહ્યું કે મુસ્લિમ IAS-IPS અને ડોક્ટર મહિલાઓએ…
દીસપુર: આસામની રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે આસામના કરીમગંજમાં આયોજિત રેલીને સંબોધિત કરતી વખતે મુસ્લિમ નોકરિયાત મહિલાઓ અને ડોક્ટર મહિલાઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું. બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે મુસ્લિમ IAS-IPS અને ડોક્ટર મહિલાઓએ હિજાબ પહેરવો જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે મેં બહારના વિસ્તારોમાં જોયું છે કે જ્યારે છોકરીઓ ભણવા જાય છે ત્યારે તેઓ તેમના માથા પર હિજાબ પહેરે છે. તેનું માથું નીચે રાખીને ચાલે છે. જો મુસ્લિમ મહિલાઓ હિજાબ નથી પહેરતી અથવા તેમના વાળને કવર નથી કરતી તો તમને કેવી રીતે ખબર પડશે કે તેઓ મુસ્લિમ છે. માથાના વાળ છુપાવવા અને હિજાબ પહેરવા એ ઇસ્લામ ધર્મમાં છે.
અજમલ AIUDF ચીફે વધુમાં કહ્યું હતું કે છોકરીઓના વાળ શેતાનનો દોર છે. છોકરીઓનો મેકઅપ એ પણ શેતાનનો દોર છે. તેથી જ્યારે પણ તમે બજારમાં જાઓ, ત્યારે બજારમાં જતા પહેલા તમારું માથું ઢાંકો અને તમારી આંખો નીચી કરો. વિજ્ઞાનનો અભ્યાસ કરો, ડોક્ટર બનો અથવા IAS-IPS બનો, પરંતુ જો તમે આ બાબતોનું પાલન નહીં કરો તો લોકોને કેવી રીતે સમજાશો કે ડોક્ટર કે IAS-IPS મુસ્લિમ છે.
નોોંધનીય છે કે બદરુદ્દીન અજમલ અગાઉ પણ આવા નિવેદન આપીને ચર્ચામાં રહી ચૂક્યા છે. ગત વર્ષે અજમલે ઓક્ટોબર મહિનામાં એવું નિવેદન આપ્યું હતું કે મુસ્લિમ સમાજ ચોરી, લૂંટ, બળાત્કાર જેવા તમામ ગુનામાં નંબર-1 છે. તેમજ જેલમાં જવાની બાબતમાં પણ અમે નંબર-1 છે, આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાતા તેમણે બાદમાં પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનો અભાવ છે. મુસ્લિમોના બાળકો ભણતા નથી, તેઓ ઉચ્ચ શિક્ષણ માટે જતા નથી, તેથી તેનું મહત્વ સમજાવવા માટે આ વાત કહેવામાં આવી હતી.