કર્ણાટકમાં ફરી હિજાબ મુદ્દે રાજકારણ શરૂ
કર્ણાટક: કર્ણાટકમાં ફરી એકવાર હિજાબ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે શાળાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી હતી, જેના પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. ભાજપે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનો આ નિર્ણય શૈક્ષણિક સંસ્થાઓની ધર્મનિરપેક્ષતા પર વાર કરે છે. નોંધનીય છે કે સિદ્ધારમૈયાએ 22 ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે તેમણે કપડાં અને ભોજનની પસંદગીને વ્યક્તિગત માનીને પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે.
આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું કે સરકાર યુવાનોને ધાર્મિક આધાર પર વિભાજિત કરી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચવાનો મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો નિર્ણય આપણી શૈક્ષણિક સંસ્થાઓના બિનસાંપ્રદાયિકતા વિશે પ્રશ્ર્નો ઊભા કરે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાકને મંજૂરી આપીને સિદ્ધારમૈયા સરકાર યુવાનોને ધાર્મિક રીતે વિભાજીત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને એવું વાતાવરણ આપવું જોઇએ કે જે ત્યાં આવીને બધાની સાથે હળીમળીને રહેતા શીખે નહિ કે તેમની અંદર એકબીજા પ્રત્યે ખરાબ ભાવનાઓના બીજ રોપાય.
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં ઇસ્લામ સૌથી મોટો ધર્મ છે અને ત્યાં સમય સાથે રૂઢિચુસ્તતા વધી રહી છે. આ જ કારણ છે કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં શાળાઓમાં વિદ્યાર્થીનીઓના ડ્રેસ કોડમાં હિજાબને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ બાબત એ છે કે આ નિયમ તમામ ધર્મની વિદ્યાર્થીનીઓ પર લાગુ પડે છે.
કેટલાક અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં પણ ઇન્ડોનેશિયામાં આવી ઘણી ઘટનાઓ સામે આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓને હિજાબ ન પહેરવા અથવા તેને યોગ્ય રીતે ન પહેરવા બદલ સજા કરવામાં આવી હતી. આવી ઘટનાઓ ઈન્ડોનેશિયામાં વધતી ધાર્મિક અસહિષ્ણુતા તરફ ઈશારો કરે છે.