મહારાષ્ટ્રમાં વિદ્યાર્થિનીઓનું ઉચ્ચ શિક્ષણ સંપૂર્ણ મફત
મેડિકલ, એન્જિનિયરિંગમાં પણ લાભ મળશે
મુંબઈ: મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના પ્રધાન ચંદ્રકાંત પાટીલે રાજ્યમાં જે વિદ્યાર્થિનીના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી છે, તેવી દરેક વિદ્યાર્થિની ઉચ્ચ શિક્ષણ, મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અંદાજે ૬૪૨ અભ્યાસક્રમની ફી સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી હતી.
ઉત્તર મહારાષ્ટ્ર યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પણ સંબંધિત જાહેરાત કરાઇ હતી. આ સંપૂર્ણ ફી માફી ચાલુ વર્ષના જૂનથી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે.
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક ફીમાં સંપૂર્ણ માફીનો લાભ ધર્મ કે જાતિને ધ્યાનમાં લીધા વિના અપાશે. રાજ્યમાં વિદ્યાર્થિનીઓની ફી સંપૂર્ણ માફ કરવાના નિર્ણયથી રાજ્ય સરકારને આશરે રૂપિયા એક હજાર કરોડનો ખર્ચ થશે.
ડીમ યુનિવર્સિટી, મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા મોંઘાં અભ્યાસક્રમમાં ફી સંપૂર્ણ માફ થવાથી વિદ્યાર્થિનીઓને અને તેઓના પરિવારને મોટી આર્થિક રાહત મળશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી છોકરીઓમાં ઉચ્ચ શિક્ષણ લેવાનું પ્રમાણ વધવાની આશા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ કરાતી હતી અને તેમાં કેન્દ્ર સરકાર ૬૦ ટકા અને રાજ્ય સરકાર ૪૦ ટકા ફાળો આપતી હતી.