સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ચાર હાઈ કોર્ટમાં નિમણૂક કરવા માટે કેન્દ્રને 5 નામોની ભલામણ મોકલી…..
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઈ કોર્ટમાં વધારાના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્રને પાંચ નામોની ભલામણ કરી છે. 4 જાન્યુઆરીના રોજ રાત્રે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા કોલેજિયમના કેટલાક ઠરાવો ન્યાયિક અધિકારીઓ અને હાઈ કોર્ટમાં ન્યાયાધીશો માટેના વકીલોના નામોની ભલામણો પરની ચર્ચાની વિગતો આપી હતી.
CJI ઉપરાંત જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ પણ કૉલેજિયમમાં સામેલ છે. કોલેજિયમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈ કોર્ટના જસ્ટિસ રાહુલ ભારતી અને જસ્ટિસ ખજુરિયા કાઝમીને કાયમી જજ તરીકે નિયુક્ત કરવાની પણ ભલામણ કરી છે. કોલેજિયમની આ ભલામણમાં ચાર મહિલા ન્યાયાધીશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
એક ભલામણમાં કહેવામાં આવ્યું છે કે બોમ્બે હાઈ કોર્ટમાં કાયમી જજ તરીકે નિમણૂક માટે એડિશનલ જજ જસ્ટિસ અભય આહુજાના નામ પર પણ વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કલકત્તા હાઈ કોર્ટના જજ તરીકે ન્યાયિક અધિકારી શ્રીમતી ચૈતાલી ચેટરજી દાસના નામની ભલામણ કરી છે. તેમજ છત્તીસગઢ હાઈ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે ન્યાયિક અધિકારી અરવિંદ કુમારના નામની પણ ભલામણ કરી છે. અન્ય એક પ્રસ્તાવમાં કેન્દ્રને એડવોકેટ રોહિત કપૂરને પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટેની પણ ભલામણ કરી છે.
4 જાન્યઆરીના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલી વિગતોમાં કોલેજિયમે ગૌહાટી હાઈ કોર્ટના જજ તરીકેની નિમણૂક માટે એડવોકેટ શમીમા જહાં અને ન્યાયિક અધિકારી યારેનજુંગલા લોંગકુમારના નામની ભલામણ કરી છે.
આ તમામ ભલામણો કરતી વખતે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સ્પષ્ટ કર્યું હતું કે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે જે લોકોની ભલામણ કરવામાં આવી હતી તેમની વરિષ્ઠતા સાથે છેડછાડ કરવી જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે જે કોલેજિયમે ત્રણ મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી હતી તેમાં CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.