હેં શું કહ્યું હવે રેલવે સ્ટેશનોનો પણ હેપી બર્થડે ઉજવાશે….
તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ સ્ટેશનનો બર્થડે આપણે ઉજવીએ. હા ક્યારેક આપણને ગમતી વસ્તુ આવી ગઇ હોય તો એની તારીખ યાદ રાખીએ પરંતુ તેને સેલિબ્રેટ કરીયે એ તો નવાઇની જ વાત છે તેમાં પણ કોઇ સ્ટેશનનો બર્થડે ઉજવવાની વાત કરીએ તો, લાગે છે ને અનોખી વાત, ચાલો તમને જણાવું કે હવે કેટલાક રેલવે સ્ટેશનનો જન્મદિવસ પણ ઉજવવામાં આવશે. સ્ટેશનના સ્થાપના દિવસે કેક કાપવામાં આવશે અને તે સ્ટેશનના જૂના રેકોર્ડ અને સિદ્ધિઓની માહિતી પણ આપવામાં આવશે. હાલમાં મુરાદાબાદ રેલવે વિભાગના સાત સ્ટેશનો પર હેપ્પી બર્થ ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં 6 સ્ટેશન 100 વર્ષથી વધુ જૂના છે. રેલવે પ્રશાસન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના મોટા સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ અને સી કેટેગરીના રેલ્વે સ્ટેશનોને વિકસિત કરવાનું કામ શરૂ કરી રહ્યું છે.
આ યોજના અંતર્ગત હવે જૂના રેલવે સ્ટેશનો પર સ્ટેશનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આ સાથે એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં સ્ટેશનની સ્થાપના ક્યારે થઈ, તે સમયના ઉપલબ્ધ રેકોર્ડ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સ્ટેશનનું શું મહત્વ હતું, સ્વતંત્રતા સંગ્રામના મોટા આંદોલનકારીઓ ક્યારે સ્ટેશન પર આવ્યા તેની માહિતી આપવામાં આવશે. જો તે સમયનો કોઈ ફોટો ઉપલબ્ધ હશે તો તે પણ દર્શાવવામાં આવશે. રેલવે સ્ટેશન હાલમાં મુસાફરો અને માલવાહક પરિવહન માટે કેટલું મહત્વનું છે તેની પણ માહિતી આપવામાં આવશે.
રેલવે બોર્ડના આદેશ બાદ ડિવિઝનલ રેલવે પ્રશાસને હાલમાં હેપ્પી બર્થ ડે ઉજવવા માટે 7 સ્ટેશન પસંદ કર્યા છે. જેમાં 6 સ્ટેશન 100 વર્ષથી વધુ જૂના છે. યોગ નગરી સ્ટેશનની સ્થાપના 17 માર્ચ 2020ના રોજ એટલે કે ત્રણ વર્ષ પહેલા જ કરવામાં આવી હતી. ફક્ત ત્રણ વર્ષ જ થયા છે તો પણ યોગ નગરી સ્ટેશનનો જન્મદિવસ 17મી માર્ચે ઉજવવામાં આવશે. સૌથી જૂનું રેલ્વે સ્ટેશન બરેલીમાં 1872માં બનાવવામાં આવ્યું હતું. શાહજહાંપુર સ્ટેશન વર્ષ 1873માં બાધવમાં આવ્યું છે, મુરાદાબાદ સ્ટેશન વર્ષ 1885માં, દેહરાદૂન સ્ટેશન વર્ષ 1899માં, હરિદ્વારનું સ્ટેશન વર્ષ 1900માં અને ઋષિકેશ રેલવે સ્ટેશન પણ વર્ષ 1900માં બાંધવામાં આવ્યું હતું.