નેશનલ

હેમંત સોરેન જ રહેશે ઝારખંડના મુખ્ય પ્રધાન, વિધાનસભા વિશ્વાસ મત જીત્યો

રાંચી: હેમંત સોરેન(Hemant Soren) જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ઝારખંડ રાજ્ય સરકાર(Jharkhand government) ની બાગડોર પોતાના હાથમાં લઇ લીધી છે. ચંપાઈ સોરેનના રાજીનામ બાદ તેમણે ફરી મુખ્ય પ્રધાન તરીકે સપથ લીધા હતા. આજે હેમંત સોરેને ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, સોરેન સરકારે બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યો હતો. આ સાથે જ ફરી એકવાર ઝારખંડના સીએમ બનવાના હેમંત સોરેનનો રસ્તો સાફ થઈ ગયો છે.

હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ 28 જૂને જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ પક્ષના વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ ચંપાઈ સોરેને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. હેમંત સોરેને આજે રાજ્યની વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં અન્ય સહિત તેમના સાથી પક્ષોને કુલ 45 મત મળ્યા. આ સાથે હેમંત સોરેને બહુમતી સાથે વિશ્વાસ મત જીતી લીધો હતો.

ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્ર નાથ મહતોએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે એક કલાકનો સમય આપ્યો હતો. ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વિધાનસભ્યોએ હેમંત સોરેનની તરફેણમાં મતદાન કર્યું છે.

હેમંત સોરેનના ભાષણ દરમિયાન ભાજપના વિધાનસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. હેમંત સોરેને કહ્યું, “તેમની પાસે ન તો વિચાર છે કે ન તો એજન્ડા. તેમની પાસે કેન્દ્રીય એજન્સીઓ છે. જો ધારાસભ્યોની સંખ્યાના અડધા પણ ભેગા થાય તો મોટી વાત ગણાય. લોકસભા ચૂંટણીમાં પોતાનો ચહેરો દેખાડી દીધો છે, હવે રાજ્યની ચૂંટણી બાકી છે. મહાગઠબંધન સાથે મળીને લડવામાં આવશે અને તેમાં પણ તેમને અરીસો બતાવવામાં આવશે. તેમનું ષડયંત્ર સફળ થવાનું નથી.

તેમણે કહ્યું, “હું ચંપાઈ સોરેનનો આભાર માનું છું, જેમણે નિર્ભયતાથી સરકાર ચલાવી અને સરકારને બચાવી. જ્યારે આ લોકો (ભાજપ) ખરીદ-વેચાણ કરતા હતા.”

જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. તેના થોડા સમય પહેલા જ તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાંચ મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેમને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, તેઓ બાદ 28 જૂને જેલમાંથી મુક્ત થયા હતા.
ઝારખંડની 81 સભ્યોની વિધાનસભામાં હાલમાં 76 વિધાનસભ્યો છે. હેમંત સોરેને 3 જુલાઈના રોજ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જે પછી શાસક જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધને રાજ્યપાલને 44 વિધાન સભ્યોની સમર્થન સૂચિ સુપરત કરી હતી.
હેમંત સોરેને 4 જુલાઈએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે વિધાનસભામાં તેમણે વિશ્વાસ મત પણ જીતી લીધો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button