હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, 28 નવેમ્બરે શપથવિધિ…

નવી દિલ્હી: જેએમએમના નેતા હેમંત સોરેને રવિવારે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓ 28 નવેમ્બરે મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. બીજી તરફ આજે રાજ્યમાં ઇન્ડી ગઠબંધનના નેતાઓએ સર્વસંમતિથી હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા. ત્યારબાદ સોરેન અન્ય નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા અને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
આ પણ વાંચો : સંસદ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક; અદાણી મામલે વિપક્ષ સરકારને ઘેરશે
પત્રકારો સાથે કરી વાત
રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાથે મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા સોરેને કહ્યું કે, મેં સરકાર બનાવવાનો દાવો કર્યો છે અને ગઠબંધન સહયોગીઓ તરફથી સમર્થન પત્ર રાજ્યપાલને સુપરત કર્યું છે. તેમણે અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ સમારોહ 28 નવેમ્બરે યોજાશે. માનવામાં આવે છે કે હેમંત સોરેન 10 મંત્રીઓ સાથે મુખ્ય પ્રધાન પદના શપથ લઈ શકે છે.
આ પણ વાંચો : ખુદ પીએમ અને અમિત શાહના પ્રચાર છતાં ઝારખંડમાં કેમ હાર્યું ભાજપ? આ છે તેના કારણો…
ભાજપને મળી હાર
હેમંત સોરેનની JMMની આગેવાની હેઠળના ગઠબંધને શનિવારે ઝારખંડમાં સતત બીજી વખત જંગી જીત સાથે સત્તા મેળવી હતી. 81 સભ્યોની વિધાનસભામાં INDI ગઠબંધનને 56 બેઠકો મળી છે. જોકે, ભાજપના નેતૃત્વમાં એનડીએને માત્ર 24 બેઠકો મળી છે. રાજ્ય વિધાનસભામાં બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે. સોરેન ઝારખંડના 14મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.