Amarnath Yatra 2024 : અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ કરાશે, 20 દિવસમાં 2. 38 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

જમ્મુ : શ્રી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે નોંધણી પ્રક્રિયાના પ્રથમ 20 દિવસમાં 2. 38 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી થઈ છે. અમરનાથ યાત્રા 29 જૂન 2024થી શરૂ થશે. જ્યારે 15 એપ્રિલથી શરૂ થયેલી એડવાન્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં 2.38 લાખ શ્રદ્ધાળુઓએ શ્રી અમરનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
બાબા અમરનાથની પ્રથમ તસવીર પણ સામે આવી
આ વર્ષે 29 જૂનથી શરૂ થતી યાત્રા 19 ઓગસ્ટ (રક્ષાબંધન) ના રોજ સમાપ્ત થશે. આ યાત્રા કુલ 52 દિવસ સુધી ચાલશે. જો કે, રવિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાબા અમરનાથની પ્રથમ તસવીર પણ સામે આવી. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રાળુઓની મુસાફરીને સરળ બનાવવા માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવા પણ શરૂ કરશે.
અમરનાથ યાત્રા બે માર્ગો દ્વારા થાય છે – અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ટૂંકા અને સાંકડા 14 કિમીનો બાલતાલ માર્ગ. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવે છે.
અમરનાથ ક્યાં છે ?
અમરનાથ મંદિરને હિન્દુઓના(Hindu) સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે અને તેની સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. આ મંદિરને 51 શક્તિપીઠમાં સમાવેશ થાય છે. શકિતપીઠ એવા સ્થાનો છે જ્યાં દેવી સતીના શરીરના અંગો પડ્યા હતા. જ્યાં ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સમજાવ્યુ હતું. આ મંદિરનો મોટાભાગનો ભાગ આખા વર્ષ દરમિયાન બરફથી ઘેરાયેલો રહે છે. ઉનાળાની ઋતુમાં મંદિર ખૂબ જ ટૂંકા ગાળા માટે ખોલવામાં આવે છે.
પાણીના પડતાં ટીપાંમાંથી શિવલિંગ બને છે
અમરનાથ મંદિરની ગુફા 12,756 ફૂટની ઉંચાઈ પર આવેલી છે.આ ગુફામાં પડતાં પાણીના ટીપાંથી શિવલિંગ આકાર પામે છે. આ 40 મીટર ઊંચી ગુફા સુધી પહોંચવા માટે ભક્તોને લગભગ 35 થી 48 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. આ યાત્રાધામ તેના સ્થાન અને પર્યાવરણને કારણે મુશ્કેલ ટ્રેક છે.