કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર ક્રેશ (Kedarnath Helicopter crash)થવાની ઘટના બની છે. થોડા દિવસો અગાઉ કેદારનાથ ધામ પાસે લેન્ડીંગ દરમિયાન હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું હતું, આજે સવારે આ હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે MI-17 હેલિકોપ્ટર સાથે બાંધીને લઇ જવામાં આવી રહ્યું હતું, આ દરમિયાન કોઈરીતે હેલિકોપ્ટર છૂટી ગયું અને મંદાકિની નદી પાસે ક્રેશ થયું. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા છે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી.
આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીની માલિકીનું હતું, મુસાફરોને કેદારનાથ મંદિર સુધી લઈ જવા આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા પ્રભાવિત થઇ છે. ઓગસ્ટમાં મોટાભાગે ટ્રેકનો માર્ગ સ્થગિત રહ્યો હતો, યાત્રાળુઓ હેલિકોપ્ટર પર મંદિર પહોંચ્યા હતા.
ગૌરીકુંડથી કેદારનાથ સુધીના માર્ગમાં વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે હજારો લોકો ફસાયા હતા, જેના કારણે વહીવટીતંત્રને ખાનગી હેલિકોપ્ટર ઉપરાંત એરફોર્સના ચિનૂક અને MI17 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.