
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે ગુરુવારે 14 રાજ્યોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તોફાની પવન અને ભારે વરસાદની(Monsoon 2024)ચેતવણી આપી છે. મધ્ય ભારતમાં દબાણ વિસ્તારને કારણે દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. આગામી 24 કલાકમાં ઉત્તર મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં પૂર આવી શકે છે. પૂર્વોત્તરમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં નવા લો પ્રેશર વિસ્તારની રચનાને કારણે ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. બિહારના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વી અને પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં અચાનક પૂરની ચેતવણી આપી છે.
ભારે વરસાદની સ્થિતિ કેમ સર્જાઈ?
મધ્ય ભારતમાં સર્જાયેલા દબાણ વિસ્તારને કારણે ભારે વરસાદની શક્યતા છે. આ દબાણ વિસ્તાર ગ્વાલિયર નજીક સ્થિત છે. જે શહેરથી લગભગ 50 કિમી ઉત્તરમાં અને આગ્રાથી 60 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં છે. ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે કહ્યું કે, આગામી 24 કલાકમાં તે ઉત્તર-પૂર્વીય દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
દિલ્હીમાં શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ
રાજધાની દિલ્હીનું આકાશ ગુરુવારે દિવસભર ગાઢ વાદળોથી ઢંકાયેલું રહ્યું હતું. ઘણી જગ્યાએ હળવો વરસાદ થયો હતો. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
યુપીમાં ભારે વરસાદથી 23 લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં બે દિવસથી પડેલા વરસાદને કારણે 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. છેલ્લા 24 કલાકમાં હાથરસમાં સૌથી વધુ 186 મીમી વરસાદ નોંધાયો છે. શુક્રવારે બુલંદશહેર અને સંભલમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.