રાજસ્થાનમાં ભારે વરસાદઃ વરસાદ સંબંધિત બનાવમાં ૪ જણ તણાયા, મહિલાનું મોત
જયપુરઃ રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારની સાથે શનિવારે પણ ભારે વરસાદ પડયો હતો. વરસાદ સંબંધિત વિવિધ બનાવમાં એક ૪૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે ચાર લોકો પાણીના વેગીલા પ્રવાહમાં તણાઇ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે જિલ્લાના જસવંતપુરા વિસ્તારમાં સુંધા માતા મંદિરના પગથિયા પર પર્વત પરથી પાણી વહેલા લાગ્યું ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં મૃતક લક્ષ્મી દેવી અહારી સહિત પાંચ ભક્તો તણાઇ ગયા હતા, જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક ગુમ વ્યક્તિની શોધ ચાલી રહી છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉદયપુર, ધોલપુર, બાંસવાડા, પ્રતાપગઢ, કોટા, બારાં, અજમેર, ભીલવાડા, ટોંક, જાલોર, દૌસા, સવાઇ માધોપુર અને સિરોહી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે ૮-૩૦ વાગ્યા સુધી પૂર્વ રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ દૌસામાં ૧૪૪.૦ મીમી અને પશ્ચિમ રાજસ્થાનના રાનીવાડા(જાલોર)માં ૬૫ મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે સોમવાર સુધી કોટા, ઉદયપુર અને જોધપુર ડિવિઝનના કેટલાક ભાગોમાં ભારે વરસાદ(૨૦૦ મીમીથી વધુ) થવાની આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં ૨૭ ઓગસ્ટથી વરસાદમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.