રાજસ્થાનમાં ભારે વરસાદ: ઓરેન્જ એલર્ટ જારી
જયપુર: રાજસ્થાનના કેટલાક ભાગોમાં સોમવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ઉત્તર-પશ્ર્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોની અવર-જવર ખોરવાઇ ગઇ હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પશ્ર્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભરુચ અને અંકલેશ્ર્વર વચ્ચેના પુલ પર પાણીનું સ્તર જોખમના નિશાનથી ઉપર હોવાથી બે ટ્રેનો રદ કરવામાં આવી હતી અને વધુ આઠ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. રવિવારથી ડુંગરપુરના નિથુવામાં ૨૧ સેમી અને પ્રતાપગઢમાં ૧૬ સેમી વરસાદ નોંધાયો છે.
જયપુરના હવામાન વિભાગ અનુસાર સાદરી (પાલી)માં ૨૦૦ મિ.મિ, પ્રતાપગઢમાં ૧૬૦ મિ.મિ,
માઉન્ટ આબુ (સિરોહી)માં ૧૩૦ મિ.મિ, ઝાલરા (ઉદયપુર)માં ૧૨૪ મિ.મિ, કોટ (પાલી)માં ૧૨૨ મિ.મિ, ભાંગડા(બાંસવાડા)માં ૧૨૦ મિ.મિ અને બાંકલી (પાલી)માં ૧૧૮ મિ.મિ વરસાદ નોંધાયો હતો. વિભાગે સિરોહી, પાલી અને ડુંગરપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જોધપુર અને બિકાનેર ડિવિઝનમાં પણ એકાદ-બે દિવસ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.